કોંગ્રેસમાં રાજીનામાની વણઝારઃ જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, હરિશ રાવતે કર્યો પદત્યાગ

લોકસભા ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસમાં રાજીનામાની લાઈન લાગી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજીનામું આપી દેવાયા પછી હવે પદમાં વરિષ્ઠ પદ પર રહેલા અનેક નેતાઓ રાજીનામાં ધરી રહ્યા છે....
 

કોંગ્રેસમાં રાજીનામાની વણઝારઃ જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, હરિશ રાવતે કર્યો પદત્યાગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસમાં રાજીનામાની લાઈન લાગી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજીનામું આપી દેવાયા પછી હવે પદમાં વરિષ્ઠ પદ પર રહેલા અનેક નેતાઓ રાજીનામાં ધરી રહ્યા છે. રવિવારે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડા અને કોંગ્રેસના મહામંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ રાજીનામું આપી દીધું છે. મિલિંદ દેવડાએ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ત્રણ સભ્યોની એક સમિતિ બનાવાનું સુચન કર્યું છે, જે રાજ્યમાં ચૂંટણીની જવાબદારી નિભાવશે. 

ચૂંટણી પહેલા મિલિંદ દેવડા બન્યા હતા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ
લોકસભા ચૂંટણી પહેલા મિલિંદ દેવડાને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પસંદ કરાયા હતા. ચૂંટણીના એક મહિના પહેલા જ તેમને આ મોટી જવાબદારી સોંપાઈ હતી, જેને ઘણો ઓછો સમય માનવામાં આવતો હતો. મિલિંદ દેવડાની ઓફિસે જણાવ્યું કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના મહામંત્રી મલ્લિકાર્જૂન ખડગે અને કે.સી. વેણુગોપાલને આ અંગે જાણ કરવામાં આવી છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું 
આ બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ (AICC)ના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપતા જણાવ્યું કે, ચૂંટણીમાં લોકોના ચૂકાદાનો સ્વીકાર કરું છું અને પરાજયની જવાબદારી લઈને મારું રાજીનામું એ સમયે રાહુલ ગાંધીને સોંપી દીધું હતું. મને જવાબદારી સોંપવા અને પાર્ટીમાં સેવા કરવાની તક આપવા બદલ હું રાહુલ ગાંધીનો આભાર માનું છું. 

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ આપ્યું રાજીનામું 
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી લોકસભા ચૂંટણીમાં કારમા પરાજયની જવાબદારી સ્વીકારતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી જ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ પાર્ટીના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધી પછી કોઈ મહામંત્રીનું આ પ્રથમ રાજીનામું હતું. હવે હરીશ રાવતે રાજકારણમાંથી સન્યાસ લેવાના પણ સંકેત આપ્યા છે. 

તેમણે કહ્યું કે, "હું મારી ઈનિંગ રમી ચૂક્યો છું. જોકે, મારું હવે પછીનું પગલું રાહુલ ગાંધીને મળ્યા પછી જ નક્કી કરીશ. મેં કોંગ્રેસ માટે થાક્યા વગર કામ કર્યું છે. હું કહી શકું છું કે, માત્ર ઊંઘવાના સમયે જ હું કામ કરતો ન હતો." રાવત અત્યારે ચૂંટણીમાં કોંગ્રેસે ક્યાં-ક્યાં ભૂલ કરી છે તે જાણવા માટે દેશના વિવિધ ભાગોની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેઓ આસામ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તામિલનાડુની મુલાકાત લઈ ચૂક્યા છે. 

મોતીલાલ વોરા છે કાર્યકારી અધ્યક્ષ
રાહુલ ગાંધીના રાજીનામા પછી પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના કારમા પરાજયની જવાબદારી સ્વીકારતાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમને મનાવવાના અનેક પ્રયાસ થયા, પરંતુ તેઓ માન્યા ન હતા અને તાજેતરમાં જ તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ઓળખ દૂર કરીને પાર્ટીના કાર્યકર્તા તરીકેની ઓળખ રાખી છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news