મુંબઈ: મહારાષ્ટ્ર સહિત આખું મુંબઈ હાલ ગણેશોત્સવના રંગમાં રંગાયું છે. ઠેરઠેર ગણેશ પંડાળ જોવા મળી રહ્યાં છે. ગણેશોત્સવ આમ તો માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ મહારાષ્ટ્ર અને મુંબઈમાં તેની રોનક કઈંક અલગ જ હોય છે. મુંબઈના કેટલાક જાણીતા ગણેશ પંડાળો વિશે તમને માહિતી આપીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલબાગચા રાજા
લાલબાગ ચા રાજા એ મુંબઈનો સૌથી ફેમસ ગણેશ પંડાળ છે. તેની શરૂઆત 1934માં થઈ હતી. આ પંડાળમાં સેલિબ્રીટી શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડે છે. લાખો લોકો રોજ દર્શન માટે આવે છે. આ પંડાળ મુંબઈના લાલબાગ માર્કેટમાં જીડી આંબેડકર રોડ પર થાય છે. અહીં જવા માટે તમારે ચિંચપોકલી કે કરી રોડ અથવા તો લોઅર પરેલ સ્ટેશન પર ઉતરીને જઈ શકો છે. 


ગણેશ ગલી મુંબઈ ચા રાજા
આ પંડાળ લાલબાગ ચા રાજાથી થોડા અંતરે જ છે. આ પંડાળની શરૂઆત 1928માં થઈ હતી. તે મુંબઈના સૌથી જાણીતા ગણેશ પંડાળોમાંથી એક છે. દર વર્ષે એક થીમ પર આધારિત પંડાળ બનાવવામાં આવે છે. અહીં ભારતના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. અહીં જવા માટે તમારે ચિંચપોકલી, કરી રોડ કે લોઅર સ્ટેશને ઉતરીને જવાનું રહે છે. ત્યાંથી ચાલતા જઈ શકાય છે. 



ખેતવાડી ચા રાજા
ખેતવાડીમાં લગભગ 13 ગલીઓ છે જ્યાં પ્રત્યેક ગલીમાં ગણેશ પંડાળ બનાવવામાં આવે છે. પરંતુ 12મી ગલીમાં ગણેશ પંડાળ ખુબ પ્રખ્યાત છે. 2000માં અહીં 40 ફૂટ ઊંચી ગણેશની પ્રતિમા બનાવવામાં આવી હતી. જેને સોનાના અસલી દાગીના પહેરાવવામાં આવ્યાં હતાં. આ પંડાળની શરૂઆત 1959માં થઈ હતી. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું સ્ટેશન ચર્ની રોડ અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન છે. અહીંથી તમે 15 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર પંડાળ સુધી પહોંચી શકો છો અથવા તો સ્ટેશનથી કેબ લઈ શકો છો. 


જીએસબી સેવા કિંગ્સ સર્કલ
આ પંડાળને ગોલ્ડ ગણેશ પણ કહેવાય છે. કારણ કે અહીં ગણેશજીની પ્રતિમાને શુદ્ધ સોનાના આભૂષણ પહેરાવવામાં આવે છે જે 60 કિલોથી વધુ વજનના હોય છે. આ મંડળની શરૂઆત 1954માં કર્ણાટકના એક બ્રાહ્મણ પરિવારે કરી હતી. મંડળની એક ખાસ વાત એ છે કે અહીં ગણેશજીની પ્રતિમા ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે જે માટીની હોય છે. આ પંડાળ સુધી પહોંચવા માટે સૌથી નજીકનું સ્ટેશન હાર્બર લાઈનનું વડાલા સ્ટેશન છે. ત્યાંથી 15 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર તમે આ પંડાળ સુધી પહોંચી શકો છો.