નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે ઈડી સમક્ષ હાજર થયા અને તપાસ એજન્સી દ્વારા લગભગ તેમની 8 કલાક પૂછપરછ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી સવારે 11.10 કલાકે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત ઈડી મુખ્યાલય પહોંચ્યા અને આશરે 20 મિનિટ સુધી કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરી તેમની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ રાત્રે 9 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ઈડીએ રાહુલ ગાંધીને આવતીકાલે એટલે કે મંગળવારે ફરી હાજર થવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ રાઉન્ડની પૂછપરછ બાદ રાહુલ ગાંધીને બપોરે આશરે બે કલાક 10 મિનિટ પર ભોજન માટે ઈડી મુખ્યાલયથી બહાર આવવાની મંજૂરી આપવામાં આવી હતી. લંચ બ્રેક બાદ તે આશરે બપોરે 3.30 કલાકે ફરી ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ પ્રથમ રાઉન્ડમાં રાહુલ ગાંધીની આશરે સાડા ત્રણ કલાક પૂછપરછ કરી જ્યારે બીજા રાઉન્ડમાં આશરે 5 કલાક વાતચીત થઈ હતી. રાહુલ ગાંધીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ પોતાનું નિવેદન લેખિતમાં આપ્યું હોવાનું માનવામાં આવે છે.


કોંગ્રેસ નેતાઓએ કર્યું વિરોધ પ્રદર્શન
સવારે પૂછપરછ માટે રાહુલ ગાંધી કોંગ્રેસ ઓફિસથી ઈડી મુખ્યાલય પહોંચ્યા હતા. આ તકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા અને રાહુલ ગાંધી પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યુ હતું. રાહુલ ગાંધી જ્યારે ઈડી ઓફિસ પહોંચ્યા તો ગાડીમાં તેમની બાજુમાં પ્રિયંકા ગાધી પણ બેઠા હતા.


કોંગ્રેસે કહ્યું- નેતૃત્વ ઝુકશે નહીં
સમજી શકાય કે આ મામલા સાથે જોડાયેલા સહાયક ડાયરેક્ટર સ્તરના એક ઈડી અધિકારીએ- યંગ ઈન્ડિયનની સ્થાપના, નેશનલ હેરાલ્ડના સંચાન અને કથિત મની લોન્ડ્રિંગને લઈને સવાલોની યાદી સામે રાખી હતી. કોંગ્રેસનું કહેવું છે કે તેના નેતાઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે અને ઈડીની કાર્યવાહી રાજકીય બદલાની છે. તેણે કહ્યું કે, અમારૂ નેતૃત્વ ઝુકવાનું નથી. 


આ પણ વાંચોઃ National Herald Case: હજુ તો માત્ર પૂછપરછ થઈ, ધરપકડ બાકી છેઃ સુબ્રમણ્યમ સ્વામી


સુબ્રમણ્યમ સ્વામીના આ છે આરોપ
વર્ષ 2012માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નીચલી કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી. તેમણે આરોપ લગાવ્યો કે યંગ ઈન્ડિયા લિમિટેડ  દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના અધિગ્રહણમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરાયો. તેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ સામેલ હતા. સ્વામીનો આરોપ હતો કે YIL એ નેશનલ હેરાલ્ડની સંપત્તિ પર ખોટી રીતે કબજો જમાવ્યો. 


સ્વામીનો આરોપ છે કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના ફંડનો ઉપયોગ કરીને AJL નું અધિગ્રહણ કર્યું. સ્વામીના આરોપોનું માનીએ તો તેનો હેતુ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો કરવાની કોશિશ હતી. અત્રે જણાવવાનું કે જ્યારે 2008માં નેશનલ હેરાલ્ડ બંધ થઈ રહ્યું હતું ત્યારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર  કોંગ્રેસનું 90 કરોડનું દેવું હતું. આ લોન અખબારનું સંચાલન ફરીથી કરવા માટે અપાઈ હતી. પરંતુ અખબારનું સંચાલન શક્ય બન્યું નહીં અને AJL આ કરજ કોંગ્રેસને ચૂકવી શક્યું નહીં. 


ત્યારબાદ કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011ના રોજ કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 90 કરોડ રૂપિયાની દેવાદારીને પોતાના માથે લઈ લીધી હતી. જેનો અર્થ એ થયો કે પાર્ટીએ તેને 90 કરોડ રૂપિયાની લોન આપી હતી. સ્વામીનો આરોપ છે કે યંગ ઈન્ડિયા લિમિટેડે 90 કરોડ રૂપિયાની વસૂલીના અધિકારને પ્રાપ્ત કરવા માટે માત્ર 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. જે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર કોંગ્રેસનું બાકી લેણું હતું. 2010માં યંગ ઈન્ડિયાએ આ 50 લાખના બદલે કરજ માફ કર્યું અને AJL પર યંગ ઈન્ડિયાનું નિયંત્રણ થયું. 


સ્વામીએ આરોપ લગાવ્યો કે આ સાથે જ યંગ ઈન્ડિયાએ AJL ની દિલ્હી-એનસીઆર, લખનઉ, મુંબઈ, અને અન્ય શહેરોમાં રહેલી સંપત્તિ પર કબજો કરી લીધો. તેમણે આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે છળ કપટનો ઉપયોગ કરીને લાખોની સંપત્તિ 'દુર્ભાવનાપૂર્ણ' રીતે 'અધિગ્રહણ' કરી. સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો કે AJL ને ગેરકાયદેસર રીતે લોન અપાઈ કારણ કે તે પાર્ટી ફંડથી લેવાઈ હતી. 


કોંગ્રેસની શું છે રજૂઆત
સ્વામીના આરોપો પર કોંગ્રેસે કહ્યું કે આ કેસમાં સ્વામીને સાંભળવાનો કોઈ અધિકાર નથી અને આ કેસ ફક્ત રાજનીતિક  દુર્ભાવનાથી ફાઈલ કરાયો છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યારે હેરાલ્ડનું પ્રકાશન કરનારા એજેએલે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસે તેને બચાવી લીધી.  કારણ કે તે પોતાના ઐતિહાસિક વારસામાં વિશ્વાસ કરતી હતી. આ ઉપરાંત કોંગ્રસનું એ પણ કહેવું છે કે AJL હજુ પણ નેશનલ હેરાલ્ડના માલિક,પ્રિન્ટર, અને પ્રકાશક રહેશે અને કોઈ સંપત્તિનું પરિવર્તન કે હસ્તાંતરણ થયું નથી. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે 2016માં નેશનલ હેરાલ્ડનું ડિજિટલ વર્ઝન ફરીથી લોન્ચ કરાયું. 


પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડને નિશાન બનાવીન ભાજપ  ભારતના સ્વતંત્રતા સેનાનીઓ તથા સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનનો અનાદર અને અપમાન કરી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube