1 એપ્રિલથી આવશે GST રિટર્ન ભરવાનું નવું ફોર્મ, આ હશે સુવિધાઓ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવા માટે નવું એકદમ સરળ ફોર્મ 1 એપ્રિલ, 2019થી લાગુ થઈ જશે. મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારે આ જાહેરાત કરી હતી....
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રિટર્ન ભરવા માટે નવું એકદમ સરળ ફોર્મ 1 એપ્રિલ, 2019થી અમલમાં આવી જશે. મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડેએ આ અંગેની જાહેરાત કરીહતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સરકાર GST સંગ્રહનું બેજટમાં જે લક્ષ્ય નક્કી કરાયું હતું તે પ્રાપ્ત કરી લેશે. તેમણે જણાવ્યું કે, મહેસુલ વિભાગને એ એકમો અંગે માહિતી મળી રહી છે જે ચોરી કરી રહ્યા છે અને ભવિષ્યમાં તેમના પર કાર્યવાહી કરાશે.
8 મહિનામાં GSTથી રૂ.7.76 લાખ કરોડની આવક
સરકારને ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ 8 મહિનામાં GSTથી 7.76 લાખ કરોડની આવક થઈ છે. ચાલુ નાણાકિય વર્ષ માટે બજેટમાં રૂ.13.48 લાખ કરોડની GST દ્વારા આવક થવાનું લક્ષ્ય નક્કી કરાયું હતું. આ દૃષ્ટિએ દર મહિને સરેરાશ રૂ.1.12 લાખ કરોડની આવક GST દ્વારા થવી જોઈએ.
પાંડેએ જણાવ્યું કે, 'નવેમ્બરમાં અમે સરેરાશથી રૂ.4 હજાર કરોડ પાછળ રહ્યા છીએ. કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં આપણે બીજા મહિનાઓના આંકડા પણ જોવા જોઈએ. અમને વિશ્વાસ છે કે અમે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહીશું. અમારું માસિક લક્ષ્ય લગભગ રૂ.1 લાખ કરોડનું છે. અમે તેને વધારીને રૂ.1.10 લાખ કરોડ કરવા માગીએ છીએ.'
ભારતના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો...
રિફંડ પ્રક્રિયામાં થઈ રહ્યા છે સુધારા
નવેમ્બરમાં GSTની આવક રૂ.97,637 કરોડ રહી છે. પાંડેએ જણાવ્યું કે, રિફંડ પ્રક્રિયાને વધુ સારી કરવામાં આવી રહી છે અને તેને સંપૂર્ણ પણે ઓનલાઈન અને કરદાતાઓને અનુકૂળ બનાવાઈ રહી છે. નવા સરળ ફોર્મ અંગે પાંડેએ જણાવ્યું કે, 'અમે 1 એપ્રિલથી નવું ફોર્મ અમલમાં લાવવાની યોજના બનાવી રહ્યા છીએ.'
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને એક્સાઈઝ ડ્યુટી બોર્ડ દ્વારા GST રિટર્ન ફોર્મના સરળ ફોર્મેટને લોકોના સુચન અને ટિપ્પણી જાણવા માટે જુલાઈમાં જાહેર કરાયું હતું. 'સહજ' અને 'સુગમ' બાબતે સંબંધિત પક્ષો પાસેથી તેમનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. આ ફોર્મ GSTR-3B (નાનું વેચાણ રિટર્ન ફોર્મ) અને GSTR-1 (અંતિમ વેચાણ રિટર્ન ફોર્મ)નું સ્થાન લેશે. પાંડેએ જણાવ્યું કે, GST પરિષદની આગામી બેઠક આવતા મહિને યોજાશે.