પટનાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ બિહાર પહોંચ્યા છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે પટનામાં બુધવારે જણાવ્યું કે, તેમને આશા છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સાથ છોડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્વિજય સિંહે જણાવ્યું કે, નીતિશ કુમાર ક્યારે પલટી મારી જાય એ બાબત કોઈ જાણતું નથી. તેમણે અગાઉ પણ અનેક વખત પલટી મારી છે. આથી તેઓ ગમે ત્યારે મહાગઠબંધનમાં પાછા ફરી શકે છે. તેમણે જણાવ્યું કે, આ રાજકારણ છે, અહીં બધા જ લોકો સત્તા માટે કામ કરે છે. આથી તેમના દ્વારા પલટી મારવી એ કોઈ મોટી વાત નથી. 


મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, એનડીએના ઘટક જદ(યુ) પ્રમુખ નીતિશ કુમાર સત્તા વગર રહી શકે એમ નથી અને જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ચૂંટણી પહેલા પડે છે તો તે સત્તાધારી ગઠબંધનમાંથી બહાર નિકળી શકે છે. 


તેમણે જણાવ્યું કે, પલટી મારવામાં અને પક્ષ બદલવામાં માત્ર 24 કલાક લાગે છે. આથી, આ બાબત પર કોઈ પણ પ્રકારની શંકા કરી શકાય નહીં. 


પટનામાં એક ખાનગી મુલાકાત માટે પહોંચેલા સિંહે એક સમાચાર ચેનલને જણાવ્યું કે, નીતિશ કુમારને પલટી મારવામાં માત્ર 24 કલાક લાગે છે. લોકસભા ચૂંટણી છ મહિના દૂર છે, પક્ષપલટો સંભવ છે. 


શું કોંગ્રેસ સહયોગી તરીકે નીતિશ કુમારનું સ્વાગત કરશે એ સવાલના જવાબમાં દિગ્વિજયે જણાવ્યું કે, રહસ્યમય રીતે રાજકારણ એક સંભાવનાઓની રમત છે. સી.પી. જોશી દ્વારા 2013માં બિહાર કોંગ્રેસના પ્રભારી બનતાં પહેલાં દિગ્વિજય સિંહ પાસે આ જવાબદારી હતી. 


રાજ્યસભાના સભ્ય એવા દિગ્વિજય સિંહ દ્વારા, નીતિશ કુમારના કોંગ્રેસના ગઠબંધનમાં જોડાવાની સંભાવના અંગે કરાયેલી ટિપ્પણી નીતિશ કુમાર પર નિશાન પણ હોઈ શકે છે, જેમણે 2013માં ભાજપની સાથે પોતાના 17 વર્ષ જૂના સંબંધોદોડીને કોંગ્રેસ અને પોતાના કટ્ટર વિરોધી એવા લાલુ પ્રસાદ યાદવ સાથે એક વર્ષ બાદ મહાગઠબંધન બનાવ્યું હતું અને ફરી પાછા એનડીએમાં પહોંચી ગયા હતા. 


અત્યારે બિહારમાં એનડીએ અને નીતિશ કુમાર માટે 2019ની ચૂંટણીમાં સીટ અંગે ખેંચતાણ ચાલી રહી હોવાના સમાચાર વચ્ચે દિગ્વિજય સિંહે આ ટિપ્પણી કરી છે, જે ઘણું બધું કહી જાય છે. 


ભાજપ પર નિશાન તાકતા દિગ્ગીએ જણાવ્યું કે, સવર્ણ વર્ગના વિવિધ સંગઠનો દ્વારા અનામત અને SC/ST અધિનિયમ વિરુદ્ધ પ્રદર્શનને મોદી સરકાર દ્વારા નિષ્ફળતાઓને છુપાવાનું કાવતરૂં ગણાવાયું છે.