મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં નાના દુકાનદારો-વેપારીઓને આપી આ મોટી ભેટ
મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં દેશના નાના દુકાનદારો અને વેપારીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો તેઓ ફરી સત્તામાં આવ્યાં તો નાના દુકાનદારો અને વેપારીઓ માટે પેન્શન સ્કિમ લાવશે.
નવી દિલ્હી: મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં દેશના નાના દુકાનદારો અને વેપારીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો તેઓ ફરી સત્તામાં આવ્યાં તો નાના દુકાનદારો અને વેપારીઓ માટે પેન્શન સ્કિમ લાવશે. પીએમ મોદીએ એક ટ્વિટ દ્વારા જાણકારી આપતા કહ્યું કે આ સ્કિમ લોન્ચ કરી દેવાઈ છે. આ સ્કિમમાં એવા વેપારીઓનો સમાવેશ કરાશે જેમનું ટર્નઓવર દોઢ કરોડ રૂપિયાથી ઓછું છે. આ યોજનાથી લગભગ 3 કરોડ નાના દુકાનદારો તથા વેપારીઓને લાભ મળશે.
કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા
ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન યોજના
ખેડૂતો અને નાના વેપારીઓ તથા દુકાનદારો માટે જે પેન્શન યોજનાની જાહેરાત કરાઈ છે તેનું વચન ભાજપના સંકલ્પ પત્રમાં અપાયું હતું. પેન્શન યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના લોકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. આ યોજનામાં 10,000 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. પેન્શન સ્કિમ હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિએ દર મહિને યોગદાન આપવાનું રહેશે. સરકાર પણ એટલી જ રકમનું યોગદાન કરશે. ઉંમર પ્રમાણે યોગદાનની રકમ વધશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આ યોજનાઓથી ખેડૂતો, નાના વેપારીઓ, દુકાનદારોના જીવનસ્તરમાં સુધારો થશે અને તેમને સામાજિક સુરક્ષા મળશે. તેમણે જણાવ્યું કે પેન્શન યોજના હેઠળ 12થી 13 કરોડ લોકોને કવર કરાશે. પહેલા તબક્કામાં 5 કરોડ લોકોને કવર કરવાનું લક્ષ્યાંક છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ટ્રેડર્સ માટે પેન્શન યોજનાથી લગભગ 3 કરોડ નાના વેપારીઓ અને દુકાનદારોને ફાયદો થશે.