કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા

કેન્દ્રની મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો.  જે મુજબ હવે દેશના તમામ ખેડૂતોને વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો લાભ મળશે.

કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં 3 મોટા નિર્ણય લીધા. જે મુજબ હવે દેશના તમામ ખેડૂતોને વડાપ્રધાન કિસાન સન્માન યોજનાનો લાભ મળશે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ફક્ત લઘુ અને સીમાંત ખેડૂતોને જ આ યોજનાનો લાભ અપાતો હતો. પરંતુ હવે બધાને લાભ મળશે. આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાના હતાં. ભાજપે પોતાના ચૂંટણી સંકલ્પ પત્રમાં આ યોજનામાં તમામ ખેડૂતોને સામેલ કરવાનું વચન આપ્યું હતું. જેના પર પહેલી કેબિનેટ બેઠકમાં મહોર લાગી. આ યોજનાથી હવે દેશના 14.5 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે. લોકસભા ચૂંટણી 2019 અગાઉ મોદી સરકારે ખેડૂતો માટે વાર્ષિક 6000 રૂપિયા ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી હતી. ચાર હજાર રૂપિયા બે હપ્તે દેશના 3 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં પહોંચી પણ ગયા હતાં. 

બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે વડાપ્રધાન ખેડૂતોની ખુબ ચિંતા કરે છે. આ માટે તેમણે નિર્ણય લીધો છે. અમે નક્કી કર્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરીશું. અગાઉ 2 કરોડ ખેડૂતો એવા હતાં કે જેઓ આ યોજનામાં બાકાત રહી ગયા હતાં. તેમણે કહ્યું કે પાકના ખર્ચનો ઓછામાં ઓછા દોઢ ગણા ટેકાના ભાવ મળે તે પીએમ મોદીએ સુનિશ્ચિત કર્યું. કૃષિ મંત્રીએ કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 3 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી ગયા છે. અત્યાર સુધી 12.5 કરોડ ખેડૂતો આ યોજનામાં કવર થઈ રહ્યાં હતાં. અને 2 કરોડ બાકાત રહ્યાં હતાં. પરંતુ હવે તમામ ખેડૂતોને તેમાં સમાવવામાં આવશે. 

તેમણે કહ્યું કે સરકારના અત્યાર સુધી આ યોજનામાં 75000 કરોડ રૂપિયા લાગતા હતાં પરંતુ હવે તેમાં 12000 કરોડ રૂપિયા વધારાશે. એટલે કે 87000 કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ આવશે. પરંતુ અમારો આ નિર્ણય જણાવે છે કે અમે ખેડૂતોની સમસ્યાઓ સુધારવા માંગીએ છીએ. 

જુઓ LIVE TV

પેન્શન યોજનાની જાહેરાત
આ ઉપરાંત ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પણ ભાજપના સંકલ્પ પત્રમાં જાહેરાત કરાઈ  હતી. પેન્શન યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના લોકોને 60 વર્ષ બાદ પ્રતિ મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. આ યોજનામાં 10000 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. પેન્શનની સ્કિમ હેઠળ 18થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિએ દર મહિને અમુક રકમનું યોગદાન કરવાનું રહેશે. સરકાર પણ તેટલું જ યોગદાન કરશે. ઉંમર પ્રમાણે રકમ વધશે. કૃષિ મંત્રી તોમરે કહ્યું કે આ યોજનાઓથી ખેડૂતો, નાના વેપારીઓના જીવનસ્તરમાં સુધારો થશે અને તેમને સામાજિક સુરક્ષા મળશે. તેમણે જણાવ્યું કે પેન્શન યોજના હેઠળ 12થી 13 કરોડ લોકો કવર થશે. પહેલા તબક્કામાં 5 કરોડ લોકોને કવર કરવાનો લક્ષ્યાંક છે. 

પશુઓનું રસીકરણ
નવી સરકાર ગાય-બળદ, ઘેંટા બકરા, અને ભૂંડના પગ અને મોઢા પર થતા રોગ (FMD)ના નિયંત્રણ માટેની ખાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે જાનવરોના પગ અને મોઢા પર થતી બીમારીને રોકવા માટે સરકાર રસીકરણ કરાવશે. કેન્દ્રીય કેબિનેટે પશુઓમાં બીમારી રોકવા માટે 13,343 કરોડ રૂપિયાનો કાર્યક્રમ મંજૂર કર્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news