લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં 60,000 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. લખનઉના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતાં. યુપીના રાજ્યપાલ રામનાઈક, ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, દિનેશ શર્મા, મંત્રી સતીષ મહાના, સુરેશ રાણા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો મોદીની આલોચના કરે છે તેઓ જાણી લે કે આલોચના કરવા માટે મારા ખાતામાં ચાર વર્ષ છે જ્યારે બીજાના ખાતામાં 70 વર્ષ છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીના એક વર્ષના અમારા કાર્યકાળમાં રાજ્યમાં 60,000 કરોડનું રોકાણ થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીયત સાફ હોય તો કોઈની પણ સાથે ઊભા રહેવાથી ધબ્બો લાગતો નથી
કારોબારીઓ સાથે ઊભા રહેવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો દાનત સાફ હોય તો કોઈની પણ સાથે ઊભા રહીએ તો પણ ધબ્બો લાગતો નથી. ઊદ્યોગપતિઓ સાથે ઊભા રહેવાથી ડરીએ એવા અમે લોકો નથી. જે ખોટુ કરશે તેણે દેશ છોડીને ભાગવું પડશે કે જેલમાં જવું પડશે. પહેલા લોકો પડદા પાછળ ઉદ્યોગપતિઓને મળવાનું પસંદ કરતા હતાં. તેમની સાથે ઊભા રહેતા ડરતા હતાં. વડાપ્રધાને કહ્યું કે ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં પરેશાનીઓ થઈ રહી છે. તેના પર સરકારની નજર છે. મૂડી રોકાણમાં અનેક વિધ્નો આવે છે. યુપીમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ ખુબ મોટી ઉપલબ્ધિ છે. આ ઉપલબ્ધિને જરાય ઓછી ન આંકો. 



માર્ચ સુધી દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્યાંક
પીએમ મોદીએ કહ્યું કે કારોબારી ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપે. તેમણે કહ્યું કે હજુ તો અમારા માટે વિકાસની શરૂઆત છે અને ઝડપથી દોડવાનું છે. તેમણે ઉદ્યોગપતિઓને ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આગળ વધવાની અપીલ કરી. દેશમાં મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રેને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. આગામી વર્ષ માર્ચ સુધીમાં બધા ઘરોમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક લઈને સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારે સારું કામ કર્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે એક સમય હતો કે યુપીમાં લોકો રોકાણને પડકાર ગણતા હતાં. આજે તે તક બની ગયું છે. ફક્ત ગાઝિયાબાદ અને નોઈડાના વિકાસથી યુપીનો વિકાસ નહીં થાય. યુપીની જનતાને અમે વચન આપ્યું હતું કે તમારા પ્યારને વ્યાજ સહિત પાછુ આપીશ. આજે આ પ્રોજેક્ટ્સ તેનું જ પરિણામ છે. તેનાથી દરેકને લાભ થશે. 



સીએમ યોગીએ બસપા અને સપા પર સાધ્યું નિશાન
કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમની પ્રેરણા અને માર્ગદર્શનમાં અમે અમારી પહેલી ઈન્વેસ્ટર્સ સમિટ મીટ કરી હતી. 5 મહિનામાં 60,000 રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવને જમીન પર ઉતારવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે બસપાના 5 વર્ષના કાર્યકાળમાં 57,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. સપાના 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું. અમારા એક જ વર્ષમાં 60,000 કરોડનું રોકાણ થવા જઈ રહ્યું છે. બહુ જલદી 50,000 કરોડના વધુ પ્રોજેક્ટ્સ આકાર લેશે. 


યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં આવેલા રોકાણનો હિસ્સો
આ પરિયોજનાઓ ફેબ્રુઆરી 2018માં આયોજિત યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં આવેલા 4 લાખ 68હજાર કરોડના રોકાણનો ભાગ છે. આ કાર્યક્રમમાં લગભગ 75 મોટા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો. વડાપ્રધાન સાથે રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા સહિત 6 મોટા ઉદ્યોગપતિઓ સામેલ હતાં. 



ફેબ્રુઆરીમાં થઈ હતી યુપી ઈન્વેસ્ટર્સ સમિટ
ફેબ્રુઆરીમાં યોજાયેલી આ યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન પણ સામેલ થયા હતાં અને યુપીમાં ડિફેન્સ કોરીડોરની સ્થાપનાની જાહેરાત કરી હતી. 60,000 કરોડ રૂપિયાના આ મહત્વના પ્રોજેક્ટ્સમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ તરફથી 10,000 કરોડ, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 10000 કરોડ, ટેગ્નાના 5,000 કરોડ, બીએસએનએલના 5 હજાર કરોડ, પેટીએમના 3500 કરોડ, એસ્સેલ ગ્રુપના 3000 કરોડ, અદાણી ગ્રુપના 2600 કરોડ અને તાતા ગ્રુપના 2300 કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ્સ સામેલ છે. આ 81 રોકાણ પ્રોજેક્ટ્સ પ્રદેશના 21 જિલ્લાઓમાં સ્થાપિત હશે.