વિવાદિત નિવેદન આપનાર ભાજપના ધારાસભ્ય ટી રાજાને મળ્યા જામીન, આજે થઈ હતી ધરપકડ
MLA T Raja Singh: ધારાસભ્ય ટી રાજા સિંહે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને ધર્મ વિશેષની આલોચના કરતા વીડિયો જારી કર્યો હતો. અહીંથી આ વિવાદ શરૂ થયો હતો.
હૈદરાબાદઃ પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાને લઈને તેલંગણા ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહને કોર્ટે જામીન આપી દીધા છે. સાથે તત્કાલ છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમને છોડી દીધા છે. તેલંગણા પોલીસે તેમની આજે ધરપકડ કરી હતી. ત્યારબાદ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલામાં પાર્ટીએ ધારાસભ્યને સસ્પેન્ડ કરી દીધા છે. તેમને કારણ દર્શાવો નોટિસ પણ ફટકારી છે.
હકીકતમાં વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો ત્યારે ઉગ્ર બની ગયો જ્યારે તેમની ધરપકડને લઈને ઘણા લોકોએ હૈદરાબાદમાં પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં એફઆઈઆર નોંધાયા બાદ સિંહને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પછી ધરપકડ કરવામાં આવી હતી.
કઈ રીતે શરૂ થયો વિવાદ?
હૈદરાબાદના ગોશામહલ વિધાનસભા સીટથી ધારાસભ્ય ટી રાજા સિંહ પોતાની કટ્ટર ધાર્મિક ટિપ્પણી માટે જાણીતા છે અને આ કારણે તે ચર્ચામાં રહે છે. ભાજપ ધારાસભ્યએ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને ધર્મ વિશેષની આલોચના કરતા સોમવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં સિંહ કથિત રીતે એક ધર્મ વિશેષ વિરુદ્ધ કેટલીક ટિપ્પણી કરતા જોવા મળી રહ્યાં છે. ફારૂકીએ હાલમાં હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી હતી.
આ પણ વાંચોઃ મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો, EDએ દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ
સિંધના સમર્થકોનો દાવો છે કે તેમણે ટિપ્પણીમાં કોઈ ધર્મ વિશેષ કે ધાર્મિક વ્યક્તિનું નામ નથી લીધું. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી એક વિવાદિત ટિપ્પણી માટે ભાજપે પોતાની રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને પાર્ટીની દિલ્હી એકમના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદલને સસ્પેન્ડ કરી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube