પંજાબ: 2019ની ચૂંટણી પહેલા જ AAPને મોટો આંચકો, MLA સુખપાલ સિંહ ખૈરાએ આપ્યું રાજીનામું
પંજાબમાં આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્યો સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે તેમણે પાર્ટીના પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે.
નવી દિલ્હી: પંજાબમાં આમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્યો સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે તેમણે પાર્ટીના પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામું સોપ્યું છે અને પાર્ટી પર અનેક આરોપ લગાવ્યાં છે. અત્રે જણાવવાનું કે લગભગ 2 મહિના પહેલા જ ખૈરાને પાર્ટીના સિદ્ધાંતો વિરુદ્ધ બળવાના પગલે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતાં. ખૈરા પર આરોપ હતો. કે તે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. ત્યારબાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતાં. ત્યારબાદ ખૈરાએ કેટલાક ધારાસભ્યો સાથે મળીને પાર્ટી વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. અત્રે જણાવવાનું કે થોડા સમયે પહેલા જ એચએસ ફુલ્કાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે સુખપાલ ખૈરાએ પણ પાર્ટી છોડી છે. લોકસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો ગણાઈ રહ્યો છે.
'મારા માટે વડાપ્રધાન બનવાનું સપનું જોવું એ પણ દૂરની વાત હતી', જાણો PM મોદી વિશે અનેક અજાણી વાતો
આંદોલનની વિચારધારાથી ભટકી ગઈ છે પાર્ટી
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખૈરાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે મેં પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં કહ્યું કે પાર્ટી હવે તે વિચારધારાથી પૂરેપૂરી રીતે ભટકી ગઈ છે કે જે અન્ના હજારે સાથે આંદોલનના સમયમાં પાર્ટીમાં જોવા મળતી હતી. પાર્ટી હવે અન્ના હજારેના સિદ્ધાંતોને ભૂલી ચૂકી છે. જે ઉદ્દેશ્યોને લઈને તેઓ પાર્ટીમાં સામેલ થયા હતાં તે હવે પાર્ટીમાં રહ્યાં નથી. અત્રે જણાવવાનું કે ખૈરા આમ આદમી પાર્ટીના પંજાબના નેતા પ્રતિપક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ ભોલાથથી ધારાસભ્ય છે. ખૈરાને પંજાબમાં 5થી 6 અન્ય ધારાસભ્યોનું પણ સમર્થન છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ ખૈરાનો સાથ આપે છે કે નહીં.
અત્રે જણાવવાનું કે સુખપાલ ખૈરા અને એચએસ ફૂલકાના રાજીનામા બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીના 18 ધારાસભ્યો રહી ગયા છે. કેજરીવાલને લખેલા પત્રમાં ખૈરાએ આરોપ લગાવ્યો કે પાર્ટીએ તેમને અપમાનિત કર્યાં. અત્રે જણાવવાનું કે સુખપાલ ખૈરા લાંબા સમયથી પોતાની અલગ પાર્ટી બનાવવાનું ઈચ્છી રહ્યાં છે. પરંતુ આમ આદમી પાર્ટીના સભ્ય હોવાથી તેઓ આમ કરી શકતા નહતાં. હવે એવી અટકળો થઈ રહી છે કે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ તેઓ નવી પાર્ટી બનાવી શકે છે.