Rahul Gandhi Allegations: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એકવાર ફરીથી સવાલ ઉઠાવ્યા છે. લેહના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીએ પેંગોંગમાં પિતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને પછી કહ્યું કે ચીનની સેના ભારતની સરહદમાં ઘૂસી આવી છે. પોતાના આ દાવાના સમર્થનમાં રાહુલ ગાંધીએ ત્યાંના લોકોનું નામ લેતા કહ્યું કે આ લોકો તમને બધુ જણાવી દેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત સાચી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજાથ સિંહ અનેકવાર જાહેર મંચથી દેશને ભરોસો અપાવી ચૂક્યા છે કે દેશની સરહદ આપણા સુરક્ષાદળોના હાથમાં સુરક્ષિત છે અને કોઈ પણ આપણા દેશની એક ઈંચ જમીન ઉપર પણ કબજો જમાવી શકે તેમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પર રાહુલ ગાંધીના સવાલ
અત્રે જણાવવાનું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લદાખમાં કહ્યું કે અહીંના લોકોએ જણાવ્યું છે કે લદાખમાં ચીની સીમા ઘૂસી આવી છે અને તેમણે આપણી જમીન છીનવી લીધી છે. આ નિવેદન આપીને રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાની કોશિશ કરી છે. 


લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ લદાખમાં છે. ત્યાં રાહુલ ગાંધી બાઈક રાઈડિંગ કરતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ આ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીનું કહેવું છે કે લદાખના લોકોનું કહેવું છે કે ચીનની સેનાએ આપણી જમીન પર કબજો કર્યો છે. 


ભાજપનો પલટવાર
રાહુલ ગાંધીના આ આરોપો પર ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કોઈનામાં પણ ભારતની જમીન છીનવવાનો દમ નથી. દેશ વિરુદ્ધ રાહુલ ગાંધી ષડયંત્ર રચી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધી જવાનોનું મનોબળ તોડી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસ એ છે જેણે હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો આપ્યો હતો અને ચીનને 45 હજાર સ્ક્વેર કિલોમીટર જમીન આપી દીધી હતી. 


સંજય રાઉતે પણ આપી પ્રતિક્રિયા
બીજી બાજુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું કે ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો છે અને તેના પુરાવા પણ સામે આવ્યા છે. જો રક્ષામંત્રી અને પ્રધાનમંત્રી તેને સ્વીકારતા ના હોય તો લાગે છે કે આ ભારતમાતા સાથે અન્યાય છે. રાહુલ ગાંધી જો કઈ કહેતા હોય તો તેઓ સમજી વિચારીને કહેતા હોય છે. 


ગલવાન ઘાટીમાં શું થયું હતું?
નોંધનીય છે કે વર્ષ 2020માં પૂર્વ લદાખમાં ચીની સેનાએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. 15-16 જૂનની રાતે બંને તરફથી સૈનિકોમાં લોહિયાળ ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના એક  કમાન્ડર સહિત 20 સૈનિકો શહીદ થયા હતા. આ ઉપરાંત તેમાં 40થી વધુ ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. ગલવાનની ઘટના બાદથી LAC પર તણાવ છે. સરહદ પર તૈનાતી વધારી દેવાઈ છે. બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જો કે સ્થિતિ હજુ પણ સામાન્ય નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube