રાજસ્થાનમાં રમણભમણ : મોડી રાત્રે શપથ લેનારા નવા મંત્રીઓનું લિસ્ટ જાહેર કરાયું
- રાજસ્થાનમાં આજે 4 વાગ્યે નવામંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે
- તમામ ધારાસભ્યોને બપોરે બે વાગે પાર્ટી ઓફિસ બોલાવાયા
- ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ શનિવારે રાજીનામા આપ્યા
ઝી મીડિયા/બ્યૂરો :રાજસ્થાનના રાજકારણ (rajasthan politics) માં મોટી ઉથલપાથલ થઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. તમામ મંત્રીઓના રાજીનામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે લીધા છે. બપોરે 2 કલાકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા ચહેરાઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠક બાદ સાંજે 4 કલાકે રાજભવનમાં નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા મંત્રીઓને શપથ લેવડાવશે. મહત્વનું છે કે શનિવારે સાંજે નવા મંત્રીમંડળની રચના મુદ્દે બેઠક મળી હતી. જેમાં મંત્રીઓએ રાજીનામાં આપ્યા હતા. મહત્વનું છે કે વર્ષ 2023માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈ મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું છે.
શનિવારની સાંજે રાજસ્થાનની રાજનીતિમાં નવો વળાંક આવ્યો હતો, જેમાં મંત્રીમંડળની બેઠક પૂરી થતા જ સામેલ તમામ મંત્રીઓએ એકસાથે રાજીનામુ આપ્યુ હતું. તો મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું કે, હવે જે મંત્રી રહેશે, તેઓ રવિવારે 2 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પહોંચશે. ત્યાંથી તેઓ મંત્રી પદ માટે શપથ લેશે. આ મામલે મોડી રાત સુધી ચર્ચા ચાલી હતી. તેના બાદ જાહેર કરાયુ કે, રાજ્યમાં મંત્રી મંડળમાં ફેરબદલ માટે 11 કેબિનેટ અને 4 રાજ્ય મંત્રીઓ સહિત કુલ 15 નેતાઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે.
મંત્રીઓના રાજીનામા બાદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ખુદ રાજભવન પહોંચ્યા હતા. આવામાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, તેઓ ખુદ પણ સીએમ પદ પરથી રાજીનામુ આપી શકે છે. પરંતુ મુલાકાત દરમિયાન સીએમએ રાજ્યપાલને રાજીનામુ આપનારા મંત્રીઓનું લિસ્ટ સોંપ્યું છે. સાથે જ રવિવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહને લઈને પણ ચર્ચા કરી હતી. ગેહલોતને રાજભવન તરફથી રવિવારે સાંજે 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.
રાજસ્થાન મંત્રી પરિષદની બેઠક શનિવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં થઈ હતી. જેમાં તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપ્યા છે. આ માહિતી રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે મંત્રી પરિષદની બેઠક બાદ આપી હતી. આ બેઠક બાદ ખાચરિયાવાસે કહ્યું કે, મંત્રી પરિષદની બેઠક મુખ્યમંત્રી ગેહલોતની અધ્યક્ષતામાં થઈ હતી. જેમાં તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યોને રવિવારે બપોરે 2 વાગ્યા પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા છે. તેના બાદ કાર્યક્રમ ગેહલોત તેમજ પાર્ટીના પ્રદેશ પ્રભારી અજય માકન નક્કી કરશે. તેમણે કહ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને સંબોધિત કરીને રાજીનામા આપવામાં આવશે. જેના બાદ મંત્રીમંડળને પુનગઠન કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.