રાહુલ ગાંધી કેમ PM મોદી પર કરી રહ્યાં છે આકરા પ્રહારો? રવિશંકર પ્રસાદે જણાવ્યું કારણ
કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે રાફેલ ડીલ બે સરકારોના પ્રમુખો વચ્ચે સંપૂર્ણ પારદર્શકતા અને ઈમાનદારીથી લાગુ કરાઈ હતી. આ સાથે જ તેની કિંમત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલી કિંમતથી 9 ટકા ઓછી છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ નેશનલ હેરાલ્ડ મામલે તેમના વિરુદ્ધ આવકવેરા વિભાગની તપાસથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ રાફેલ મામલે જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે રાફેલ ડીલ બે સરકારોના પ્રમુખો વચ્ચે સંપૂર્ણ પારદર્શકતા અને ઈમાનદારીથી લાગુ કરાઈ હતી. આ સાથે જ તેની કિંમત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલી કિંમતથી 9 ટકા ઓછી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે "દેશને એ વાત માલુમ હોવી જોઈએ કે કેવી રીતે ફક્ત 50 લાખ રૂપિયા સ્થાનાંતરિત કરીને કોંગ્રેસે 90 કરોડ રૂપિયાના સંપૂર્ણ દેવાને યંગ ઈન્ડિયાને સ્થાનાંતરિત કરી દીધુ. જે સોનિયાજી અને રાહુલજીની સ્વામિત્વવાળી કંપની છે." તેમણે કહ્યું કે "અને આ પ્રક્રિયાથી એસોસિએટ જર્નલની સંપૂર્ણ સંપત્તિ યંગ ઈન્ડિયા કંપની પાસે ફરીથી આવી ગઈ કે જે બે લોકોની કંપની છે. બાકીની સંપત્તિ થોડા શેરધારકો પાસે પહોંચી."
ભાજપના નેતાએ કહ્યું કે "રાહુલ ગાંધીના આરોપો લગાવવાનું વાસ્તવિક કારણ એ છે કે આવકવેરા વિભાગ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે 2011-12માં લેવડદેવડ મામલાની ફરીથી તપાસ કરવા માંગે છે." તેમણે કહ્યું કે "જો રાહુલ ગાંધીને લાગે છે કે ભ્રષ્ટાચાર પર મોદી અને સરકાર પર આરોપ લગાવવાથી તેમના વિરુદ્ધની કાર્યવાહીથી તેઓ બચી જશે તો તે ખોટુ છે. આમ થવાનું નથી."
પ્રસાદે કહ્યું કે "10 વર્ષો સુધી તમારા રાક્ષામંત્રી સદનમાં સતત એમ કહેતા રહ્યાં કે ગુપ્ત હથિયાર અધિગ્રહણનો ખુલાસો રાષ્ટ્રહિત તથા દેશહિતમાં કરી શકાય નહીં. તમે તેનાથી ઈન્કાર કરી શકો નહીં. ત્યારબાદ આપ પણ એ જ જુઠ્ઠાણું દોહરાવી રહ્યાં છે. આ એક ગેરજવાબદાર અને દેશહિત વિરુદ્ધ છે. તમે તમારા પ્રોપોગંડા માટે ક્યા સુધી રાષ્ટ્રહિતને બાજુ પર મૂકતા રહેશો."