નવી દિલ્હીઃ નાણા સચિવ હસમુખ અઢિયા ચાલુ મહિનાના અંતમાં સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારને સુચિત કરી દીધું હતું કે, 30 નવેમ્બર, 2018 તેમની કામગિરીનો અંતિમ દિવસ હશે. તેઓ નોકરીમાં એક્સ્ટેન્શન લેવા માગતા નથી. હવે, હસમુખ અઢીયાનું સ્થાન અજય ભૂષણ પાંડેય લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી અરૂણ જેટલીએ તેમની પ્રશંસા કરતાં જણાવ્યું કે, દેશમાં જીએસટી વ્યવસ્થા લાગુ કરવામાં અઢિયાનું યોગદાન પ્રશંસનીય છે. તેઓ એક શ્રેષ્ઠ નોકરશાહ હતા, જે પોતાનું કામ સંપૂર્ણ લગન અને વ્યવસાયિક પદ્ધતિથી કરતા હતા. 


ફેસબુક પર 'ડો. હસમુખ અઢિયા રિટાયર્સ' નામથી લખેલી પોસ્ટમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, "તેઓ એક સક્ષમ, અનુશાસિત, વ્યવહારિક જનસેવક અને બેદાગ છબીના અધિકારી છે. વર્તમાન સરકાર તેમની ક્ષમતા અને અનુભવને કોઈ આન્ય રીતે ઉપયોગ કરવા માગે છે."


ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)ના મુખ્ય કાર્યકારી અધિકારી અજય ભૂષણ પાંડેયને અઢિયાના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે. ગિરિશ ચંદ્ર મુર્મુને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે તૈનાત કરાયા છે. તેઓ વર્તમાન સચિવ એ.એન. ઝાની નિવૃત્તિ બાદ તેમનું સ્થાન લેશે. 



હસમુખ અઢિયા નોકરી સિવાય ધ્યન અને યોગમાં રસ ધરાવે છે. તેઓ ગુજરાત કેડરના 1981ની બેચના આઈએએસ અધિકારી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ નવેમ્બર, 2014માં તેઓ દિલ્હી આવ્યા હતા. તેમની નિમણુક આર્થિક સેવાઓના વિભાગમાં સચિવ તરીકે થઈ હતી. 


અઢીયાએ ત્યાર બાદ અનેક ટ્વીટ કરીને માર્ગદર્શન માટે મોદી અને જેટલીનો આભાર માન્યો છે. તેમણે પોતાની સાથે કામ કરનારા અધિકારીઓ અને સ્ટાફના લોકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો છે. 


અઢીયાએ જણાવ્યું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નાણા મંત્રાલયમાં ચાર વર્ષ સુધી કામ કરવાનો મને ગર્વ છે. 30 નવેમ્બરના રોજ એ ભાવના સાથે નિવૃત્ત થઈ રહ્યો છું કે મેં દેશ માટે જે કંઈ કર્યું તેના અંગે મને સંતોષ છે. હું મારી સાથે કામ કરનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભારી છું."


નાણામંત્રી અરૂણ જેટલીએ દેશમાં જીએસટી લાગુ કવરાનું શ્રેય હસમુખ અઢીયાને આપતા જણાવ્યું કે, "આ તેમની મહેનત અને કેન્દર તથા રાજ્યોનાં તેમનાં અધિકારીઓની ટીમના પ્રયાસોનું જ પરિણામ છે કે અમે એક જુલાઈ, 2017થી જીએસટી લાગુ કરી શક્યા છીએ. જીએસટીના દરમાં ઘટાડો અને વિક્રમી સમયમાં તેની ખામીઓને દૂર કરવામાં આવી છે."


અંતમાં જેટલીએ લખ્યું છે કે, "હું સેવાનિવૃત્તિ બાદ તેમના સારા જીવનની કામના કરું છું. ધન્યવાદ. ડો. અઢીયા."