કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય અનામત, સુપ્રીમ આવતીકાલે આપશે ચૂકાદો
સુપ્રીમ કોર્ટ આવતીકાલે એ બાબતે પોતાનો ચૂકાદો આપશે કે પહેલા ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવામાં આવે કે પછી સ્પીકર તેમને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને આગળ વધારી શકે છે
નવી દિલ્હીઃ કર્ણાટકના સંકટ અંગે બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. હવે બુધવારે સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આવતીકાલે એ બાબતે પોતાનો ચૂકાદો આપશે કે પહેલા ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવામાં આવે કે પછી સ્પીકર તેમને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને આગળ વધારી શકે છે. ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર પોતાનો બહુમત સાબિત કરવાની છે.
આ અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા હતા. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યોને રાજીનામું આપવાનો મૌલિક અધિકાર છે, જેને અટકાવી શકાય નહીં. બંધારણીય વ્યવસ્થા અનુસાર રાજીનામું તાત્કાલિક સ્વીકારવું જોઈએ. જ્યાં સુધી રાજીનામા અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેમને ગૃહમાં હાજરી આપવાથી મુક્ત આપવામાં આવે.
સ્પીકર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર રહ્યા હતા, તેમણે જણાવ્યું કે, સ્પીકરને જે રાજીનામા આપવામાં આવ્યા છે, તે કાયદેસર નથી. અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, 15માંથી 11 બળવાખોર ધારાસબ્યોએ પોતાનું રાજીનામું 11 જુલાઈના રોજ સ્પીકરને આપ્યું હતું. આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી તેમના દ્વારા રાજીનામું અપાય તે પહેલાં જ શરૂ થઈ ચુકી હતી. તમામ ધારાસભ્યો સ્પીકર સામે 11 જુલાઈના રોજ હાજર થયા હતા અને સુપ્રીમમાં અરજી કરનારા 4 ધારાસભ્યો તો હજુ સુધી સ્પીકર સમક્ષ હાજર થયા નથી.
મુંબઈમાં છેલ્લા 5 વર્ષમાં પડી 2704 ઈમારતો, 234એ જીવ ગુમાવ્યો, 840 ઘાયલ થયા હતા
ચીફ જસ્ટિસનો એક જ સવાલ
મુખ્ય ન્યાયાધિશે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીને પુછ્યું કે, 'અમારી સામે માત્ર સવાલ એટલો જ છે કે શું એવી કોઈ બંધારણિય ફરજ છે કે ગેરલાયક ઠેરવવાની માગ પહેલા સ્પીકર રાજીનામા અંગે નિર્ણય લે અથવા બંને પર એક સાથે પોતાનો નિર્ણય લે?'
વકીલ રોહતગીએ જણાવ્યું કે, બંધારમની ધારા 190 કહે છે કે, રાજીનામું મળ્યા પછી સ્પીકરે વહેલામાં વહેલી તકે તેના પર નિર્ણય લેવો જોઈએ. સ્પીકર નિર્ણયને ટાળી શકે નહીં.
હવે, સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે અને જણાવ્યું છે કે, તે બુધવારે સવારે 10.30 કલાકે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો અંગે પોતાનો અંતિમ ચૂકાદો સંભળાવશે. કુમારસ્વામી સરકાર ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાની છે.
જૂઓ LIVE TV....