મુંબઈમાં છેલ્લા 5 વર્ષમાં પડી 2704 ઈમારતો, 234એ જીવ ગુમાવ્યો, 840 ઘાયલ થયા હતા

વર્ષ 2013માં ઈમારત તુટી પડવાની 531 દુર્ઘટનાઓમાં કુલ 101લોકોનાં મોત થયા હતા, જેમાં 58 પુરુષ અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે 
 

મુંબઈમાં છેલ્લા 5 વર્ષમાં પડી 2704 ઈમારતો, 234એ જીવ ગુમાવ્યો, 840 ઘાયલ થયા હતા

મુંબઈઃ મુંબઈને ભારતની આર્થિક રાજધાની અને સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા સાડા પાંચ વર્ષમાં મુંબઈ શહેરમાં ઈમારતો તુટી પડવાની કુલ 2,704 ઘટનાઓ ઘટી છે. આ દુર્ઘટનાઓમાં 234 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને 840 લોકો ઘાયલ થયા હતા. એક RTI કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મુંબઈ મહાનગરપાલિકાએ આ માહિતી આપી છે. 

મુંબઈ શહેરના RTI કાર્યકર્તા શકીલ અહેમદ શેખે મુંબઈ શહેરના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસેથી વર્ષ 2013થી 2018 સુધીમાં મુંબઈ શહેરમાં ઈમારતો તુટી પડવાની કેટલી ઘટના ઘટી હતી, આ દુર્ઘટનામાં કેટલા લોકોનાં મોત થયા હતા અને કેટલા લોકો ઘાયલ થયા હતા તેની માહિતી માગી હતી. આ સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે માહિતી પ્રાપ્તિ અધિકાર-2005 અંતર્ગત ઉપરોક્ત માહિતી આપી છે. 

જેના અનુસાર વર્ષ 2012થી જુલાઈ 2018 સુધી મુંબઈમાં 2,704 ઈમારતો તુટી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ મળીને 234 લોકોનાં મોત થયા હતા અને 840 લોકો ઘાયલ થયા હતા. 

દર વર્ષે કેટલી ઘટનાઓ
2013માં 531 ઈમારતો તુટી પડી હતી. કુલ 101 લોકોનાં મોત થયા હતા, જેમાં 58 પુરુષ અને 43 મહિલાઓ હતી. કુલ 183 લોકો ઘાયલ થયા હતા, જેમાં 110 પુરુષ અને 73 મહિલાઓ હતી. વર્ષ 2014માં ઈમારતો તુટી પડવાની 343 ઘટનાઓમાં 21 લોકોનાં મોત થયા હતા, જેમાં 17 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. 2014ની ઘટનાઓમાં 100 લોકો ઘાયલ થયા હતા, જેમાં 62 પુરુષ અને 38 મહિલાઓ હતી. 

વર્ષ 2015માં 417 ઈમારતો તુટી પડી હતી, જેમાં 15 લોકોનાં મોત થયા હતા અને 120 લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2016માં ઈમારત તુટી પડવાની 486 ઘટના ઘટી હતી, જેમાં 17 પુરુષ અને 7 મહિલાનાં મોત થયા હતા, જ્યારે 171 ઘાયલ થયા હતા. 

વર્ષ 2017માં 568 બિલ્ડિંગો તુટી પડી હતી, જેમાં 66 લોકોનાં મોત થયા હતા અને 165 લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2018માં ઈમારત તુટી પડવાની 359 ઘટનાઓમાં 7 લોકોનાં મોત થયા હતા. RTI કાર્યકર્તા શકીલ અહેમદ શેખના જણાવ્યા અનુસાર, જેટલાં મોત આતંકવાદી હુમલાની ઘટનાઓમાં નથી થયા, તેના કરતાં વધુ મોત મુંબઈમાં ઈમારતો તુટી પડવાના કારણે થયા છે. 

600 ઈમારતોને બીએમસીએ મોકલી છે નોટિસ 
મુંબઈ મહાનગરપાલિકા તરફથી શહેરમાં 600થી વધુ બિલ્ડિંગ માલિકોને નોટિસ મોકલી રાખી છે, જે ગમે ત્યારે તુટી પડે તેવી સ્થિતિમાં છે. તેમ છતાં હજારો લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને તેમાં રહે છે. મુંબઈ બીએમસીએ જે ઈમારતોને નોટિસ મોકલી છે, તેમાં 400થી વધુ જર્જર ઈમારતો ખાનગી છે. BMC દ્વારા 80 કરતા વધુ ઈમારતોને ખતરનાક જાહેર કરવામાં આવી છે. 

મ્હાડા અને રાજ્ય સરકાર તરફથી 40 કરતાં વધુ ઈમારતોને ખતરનાકની યાદીમાં મુકવામાં આવેલી છે. સૌથી વધુ ખતરનાક ઈમારતો મુંબઈના કુર્લામાં આવેલી છે. જોખમી ઈમારતો ખાલી ન કરવાનું મુખ્ય કારણ અહીં રિડેવલપમેન્ટ પ્રોસેસ એટલી ધીમી અને જટિલ હોવાનું છે. લોકોને એમ લાગે છે કે, તેમને પોતાનું ઘાર પાછું નહીં મળે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news