અયોધ્યા/નવી દિલ્હી: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રામનગરી અયોધ્યા પહોંચી રહ્યાં છે. તેઓ પોતાના અયોધ્યા પ્રવાસ દરમિયાન બપોરે 3 વાગે સાધુ સંતો સાથે મુલાકાત કરશે. સાંજે 6 વાગે સરયુના ઘાટ પર થતી આરતીમાં સામેલ થશે. આ દરમિયાન તેમની સાથે પત્ની અને પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહેશે. 25 નવેમ્બરના રોજ સવારે 9 વાગે રામ જન્મભૂમિમાં રાલલલ્લાના દર્શન કરશે. શિવસેનાના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે બે ટ્રેનોમાં શિવસૈનિકો અયોધ્યા પહોંચી ગયા છે. પહેલી ટ્રેન ગઈ કાલે પહોંચી હતી અને બીજી ટ્રેન આજે સવારે 7.15 વાગે અયોધ્યા પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે વિહિપનો કાર્યક્રમ
આ ઉપરાંત રવિવારે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના પ્રમુખના કાર્યક્રમને જોતા અયોધ્યામાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. શનિવારે અયોધ્યામાં તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યાં છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓની તહેનાતી કરાઈ  છે. 


શહેરની સુરક્ષાની જવાબદારી ADGP સ્તરના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત 3 SSP, 10 ASP, 21 DSP, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, PACની 42 કંપની, RAFની 5 કંપની, ATS કમાન્ડોને પણ સુરક્ષા માટે  તહેનાત કરાયા છે. ડ્રોન કેમેરાની મદદથી ખુણે ખુણે નજર રાખવામાં આવી રહી છે. 


ડરવાની કોઈ જરૂર નથી-પ્રશાસન
અયોધ્યાના કલેક્ટર અનિલ કુમારે કહ્યું કે અમે સ્થાનિક લોકો સાથે સંપર્કમાં છીએ. ભયનો માહોલ જરાય નથી. શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ પ્રશાસનની મંજૂરી બાદ આયોજિત કરાયો છે. પ્રશાસનની શરતો પર તમામ કાર્યક્રમો આયોજિત કરાયા છે. આથી ડરવાની કોઈ જરૂર નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધુ 3 આઈપીએસ અધિકારીઓને અયોધ્યામાં તહેનાત કરાયા છે. ઝોનના તમામ અધિકારીઓ 24 કલાક કેમ્પ લગાવીને ચારે બાજુ ફરીને નિગરાણી કરશે. 


આ છે ઉદ્ધવ ઠાકરેનો પ્લાન
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 24 નવેમ્બરના રોજ બપોરે 2 વાગે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. 3 વાગે તેઓ લક્ષ્મણ કિલ્લા જશે. ત્યારબાદ તેઓ શ્રી વિદ્વત સંત પૂજન અને આશીર્વાદોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે. સાંજે 5.15 વાગે નયા ઘાટ પર સરયુની આરતીમાં તેઓ સામેલ થશે. 25 નવેમ્બરની સવારે 9 વાગે રામ જન્મભૂમિમાં રામલલ્લાના દર્શન કરશે. બપોરે 12 વાગે અયોધ્યામાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ બપોરે 1 વાગે તેઓ જનસંવાદ કરશે. 3 વાગે પાછા એરપોર્ટ રવાના થશે જ્યાંથી તેઓ મુંબઈ માટે નીકળી જશે.