નવી દિલ્હીઃ શિવસેનાના બળવાખોર જૂથના ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કોર્ટે એકનાથ શિંદેના વકીલને પૂછ્યુ કે આખરે આ મામલામાં પહેલા હાઈકોર્ટમાં કેમ અરજી કરી નહીં. તેના પર શિંદેના વકીલે કહ્યું કે આ મામલો ગંભીર છે અને ધારાસભ્યોને મારવા સુધીની ધમકીઓ મળી રહી છે. તેથી અમે સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વકીલે કહ્યુ કે કોર્ટ ઈચ્છે તો ફ્લોર ટેસ્ટનો આદેશ આપી શકે છે. તેમણે કહ્યું કે 2019માં સર્વસંમતિથી એકનાથ શિંદેને શિવસેના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેમને હટાવી દેવામાં આવ્યા. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે. તો સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હાલ માટે શિંદે જૂથને રાહત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ મામલામાં સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરને એફિડેવિડ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર તરફથી રજૂ વકીલ રાજીવ ધવનને સવાલ કર્યો કે જો ધારાસભ્યો તરફથી નોટિસ મળી હતી તો તેને કેમ નકારી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે પોતાની વિરુદ્ધ  મામલામાં તેમણે કઈ રીતે ખુદની સુનાવણી કરી અને ખુદ જજ બની ગયા. આ સાથે સુપ્રીમે ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. તો સુપ્રીમે મહારાષ્ટ્ર પોલીસ, શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી અને ચીફ વ્હીપ બનાવવામાં આવેલા સુનીલ પ્રભુને પણ નોટિસ ફટકારી છે. 


આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી છે અને પૂછ્યુ કે આવા મામલામાં આખરે સંસદના નિયમ શું કહે છે. કોર્ટે તમામ પક્ષો પાસે 5 દિવસની અંદર નોટિસનો જવાબ માંગ્યો છે. એટલું જ નહીં આ પક્ષો તરફથી નોટિસનો જવાબ મળ્યા બાદ શિંદે જૂથને આદેશ આપવામાં આવ્યો છે કે તે ત્રણ દિવસમાં તેનો જવાબ આપે. સાથે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે 11 જુલાઈએ વધુ સુનાવણી થશે. 


એકનાથ શિંદેના વકીલે સુનાવણી દરમિયાન સંજય રાઉત તરફથી મળેલી ધમકીનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરે 15 ધારાસભ્યોને નોટિસ મોકલી બે દિવસમાં જવાબ માંગ્યો છે, જ્યારે ઓછામાં ઓછા 14 દિવસનો સમય મળવો જોઈએ. તેમણે કહ્યું કે આવા મામલામાં સુપ્રીમ કોર્ટ પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યુ છે કે જરૂરી સમય આપવો જોઈએ. શિંદેના વકીલે કહ્યુ કે ડેપ્યુટી સ્પીકરની નોટિસ ગેરબંધારણીય છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ડિપ્યુટી સ્પીકરની નોટિસથી વિરોધ છે તો તમે તેમની સામે તમારો મુદ્દો ઉઠાવ્યો કેમ નહીં. કોર્ટના આ સવાલ પર શિંદેના વકીલ નીરજ કિશન કૌલે કહ્યુ- ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કર્યો છે. તેવામાં તેમની સમક્ષ કઈ રીતે દલીલ આપી શકાય. 


બહુમત ગુવાહાટીમાં છે તો કઈ રીતે ડે. સ્પીકરે લીધો નિર્ણય
વકીલે કહ્યું કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો ગુવાહાટીમાં છે. તેવામાં તેને અયોગ્ય ઠેરવવા ડેપ્યુટી સ્પીકરે નોટિસ જારી કરી દીધી. કેસની સુનાવણી દરમિયાન અરૂણાચલ પ્રદેશ મામલાનો પણ ઉલ્લેખ થયો. વકીલે કહ્યું કે જ્યારે પણ સ્પીકરે પોતાના અધિકારોનું અતિક્રમણ કર્યું, તેના પર સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ આપ્યો છે. એકનાથ શિંદે જૂથે કહ્યું કે પહેલા તો ડેપ્યુટી સ્પીકરની સ્થિતિ પર નિર્ણય થવો જોઈએ. ત્યારબાદ તેમના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી પર વાત કરી શકાય છે. 


અભિષેક મનુ સિંઘવીએ શિવસેના તરફથી આપી દલીલો
એકનાથ શિંદે જૂથની દલીલો પર શિવસેના તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ કેસમાં પહેલા હાઈકોર્ટમાં જવાનું હતું, પરંતુ મીડિયામાં આ કેસ એટલો ચર્ચિત થઈ ગયો કે જીવના જોખમની વાત કરતા તે સીધા સુપ્રીમ કોર્ટમાં આવી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube