નવી દિલ્હી: તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (કે સી આર) ભાજપ અને કોંગ્રેસ વગરનો ત્રીજો મોરચો બનાવવા માટે સમર્થન ભેગું કરવાની કવાયતમાં છે. આ માટે તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે આજે મુલાકાત કરવાના છે. અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે રાવ 24 ડિસેમ્બરના રોજ ભુવનેશ્વરના કોણાર્ક મંદિર અને જગન્નાથ મંદિર જશે. ભુવનેશ્વર ગયા બાદ તેઓ કોલાકાતા જશે અને ત્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરશે. બંને વચ્ચે આ દરમિયાન નવો મોરચો બનાવવા માટે ચર્ચા થવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે કોલકાતામાં કાલીમાતા મંદિરમાં પૂજા અને મમતા બેનરજી સાથે મુલાકાત બાદ કેસીઆર નવી દિલ્હી જશે. ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ રાવ બે ત્રણ દિવસ રાષ્ટ્રીય રાજધાનીમાં રોકાશે. 


દિલ્હી પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત  કરશે. આ સાથે જ સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી સાથે પણ મુલાકાત કરશે. દિલ્હી પ્રવાસ દરમિયાન તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની પણ મુલાકાત કરશે. રાજ્ય સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેઓ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે. 


અત્રે જણાવવાનું કે કેસીઆરએ 13 ડિસેમ્બરના રોજ બીજીવાર તેલંગણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કેટલાક મહિનાઓ પહેલા રાવે મમતા બેનરજી, ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન, પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એચડી દેવગૌડા સહિત અનેક નેતાઓ અને બિનકોંગ્રેસી તથા બિનભાજપ સ્થાનિક પક્ષોનું ગઠબંધન બનાવવાના પોતાના પ્રયત્નો હેઠળ મુલાકાત કરી હતી. રાવનો આરોપ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને આઝાદીના 70 વર્ષ બાદ પણ જનતાની આશાઓને પૂરી કરવામાં નિષ્ફળ ગયા છે. 


નોંધનીય છે કે કેસીઆર ચાર દિવસના પ્રવાસે નીકળ્યા છે. આ દરમિયાન તેઓ ભાજપ અને કોંગ્રેસ વગરના ત્રીજા મોરચાના સમર્થને ભેગુ કરવાના હેતુથી અલગ અલગ પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. તેમની પાર્ટી ટીઆરએસએ જુદા જુદા સ્થળોએ રાવના પ્રવાસને ધ્યાનમાં રાખીને એક મહિનાની ખાસ વિમાનની સેવા લીધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...