IT Rules: ટ્વિટર ઈન્ડિયાના ફરિયાદી અધિકારીએ આપ્યું રાજીનામુ, હાલમાં કંપનીએ કરી હતી નિમણૂક
થોડા સપ્તાહ પહેલા ટ્વિટર ઈન્ડિયાએ નવા આઈટી નિયમોનું પાલન કરતા તેમની નિમણૂક કરી હતી. સૂત્રો પ્રમાણે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાની વેબસાઇટ પરથી નામ પણ હટાવી દીધુ છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ઈન્ડિયાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રવિવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. થોડા સપ્તાહ પહેલા ટ્વિટર ઈન્ડિયાએ નવા આઈટી નિયમોનું પાલન કરતા તેમની નિમણૂક કરી હતી. સૂત્રો પ્રમાણે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાની વેબસાઇટ પરથી નામ પણ હટાવી દીધુ છે. જ્યારે ભારતના નવા આઈટી નિયમ પ્રમાણે આમ કરવું જરૂરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું કે, ટ્વિટરે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ફરિયાદી અધિકારીનું રાજીનામુ એવા સમયે આવ્યું છે જ્યારે નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. નવા નિયમોનું પાલન ન કરવા મુદ્દે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને ફટકાર પણ લગાવી હતી.
આ પણ વાંચોઃ જુલાઇથી કિશોરોને લગાવવામાં આવશે કોરોના વેક્સીન! આ દવા કંપનીનું ટ્રાયલ થયું પુરૂ
મહત્વનું છે કે 25 મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમ અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓએ યૂઝર્સો કે પીડિતોની ફરિયાદના સમાધાન માટે એક ફરિયાદ નિવારણ તંત્ર સ્થાપિત કરવુ જરૂરી છે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે 50 લાખથી વધુ યૂઝરવાળી બધી મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા કંપનીઓ આવી ફરિયાદના નિવારણ માટે એક ફરિયાદ અધિકારીની નિમણૂક કરશે અને આવા અધિકારીઓના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ શેર કરશે.
તો મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ એક મુખ્ય અનુપાલન અધિકારી, એક નોડલ સંપર્ક અધિકારી અને એક ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી ફરજીયાત છે. ટ્વિટરે 5 જૂને સરકાર દ્વારા મોકલવામાં આવેલી અંતિમ નોટિસનો જવાબ આપતા કહ્યુ હતુ કે તે નવા આઈટી નિયમોનું પાલન કરશે અને મુખ્ય અનુપાલન અધિકારીની વિગતો પણ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube