ભારત-રશિયા વચ્ચે આજે S-400 ડિફેન્સ સિસ્ટમ પર કરારની શક્યતા, અમેરિકા છે લાલઘૂમ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યાં છે.
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન હાલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક કરશે. તેમના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત અંતરિક્ષ અને ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં અનેક કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. કહેવાય છે કે એસ-400 ડિફેન્સ સિસ્ટમ પર બંને દેશો વચ્ચે શુક્રવારે કરાર થઈ શકે છે.
ગુરુવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પુતિન ભારત પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પુતિન સીધા લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન નિવાસ ગયા અને ત્યાં બંને નેતાઓએ આમને સામને બેઠક કરી. ત્યારબાદ પીએમ મોદીએ તેમના માટે ડીનરનું આયોજન કર્યું હતું.
આજે 19મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન થવાનું છે. સંમેલનમાં બંને નેતાઓ વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. તેમાં મોસ્કો વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધ અને આતંકવાદ વિરોધી સહયોગ સામેલ છે. રશિયન રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં નાયબ વડાપ્રધાન યુરી બોરિસોવ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને વ્યાપાર તથા ઉદ્યોગમંત્રી ડેનિસ મંતુરોવ સામેલ છે.