છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પશ્ચિમી હિમાલયન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જો કે સોમવારે તેની તીવ્રતામાં ઘટાડો થયો હતો પરંતુ હવે હવામાન ખાતાનું નવું જે અપડેટ આવ્યું છે તે મુજબ આગામી કલાકો દરમિયાન ફરી એકવાર આ વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ છેલ્લા 40 દિવસમાં પાંચમીવાર એવું બની રહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યા બાદ ફરીએકવાર સક્રિય જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

60 કલાકમાં વાવાઝોડાના એંધાણ!
હવામાન ખાતાનું એવું માનવું છે કે આગામી 60 કલાકની અંદર ઉત્તર ભારતના રાજ્યોમાં એકવાર ફરીથી જોરદાર વાવાઝોડું, આંધી તોફાન, ભારે વરસાદ સહિત હિમવર્ષા જોવા મળી શકે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ 29 ફેબ્રુઆરીએ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોમવાર સાંજ સુધીમાં નબળું પડ્યા બાદ અચાનક બદલાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે મંગળવારે સાંજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. યુપી અને આજુબાજુના રાજ્યોમાં સમુદ્રના પેટાળથી દોઢ કિલોમીટર જેટલું ઊંચુ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. જેના લીધે ફરીથી હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. તદ ઉપરાંત લદાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા તેના મેદાની વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આગામી 60 કલાક સુધી આ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો સર્જાઈ શકે છે. 


હવામાન વિભાગના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અલગ અલગ ભાગોમાં 6થી 7 માર્ચ વચ્ચે વરસાદની શક્યતા છે. આ સાથે જ કરા પડે તેવી પણ આશંકા છે. જ્યારે 7થી 9 માર્ચ વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, અને સિક્કીમનું હવામાન પલટાશે. આ ત્રણ રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ અરુણાચલ પ્રદેશમાં આગામી એક અઠવાડિયા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તથા હિમવર્ષાની પણ શક્યતા છે. જેને લઈને પહેલેથી અલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત અસમ અને મેઘાલયમાં પણ આ પ્રકારના હવામાનની શક્યતા છે. 


ગુજરાતમાં હવામાન
સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર જો કે ઘટ્યા બાદ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો અને નલિયામાં મંગળવારે સૌથી ઓછું 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી ઓછું નોંધાયું. સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જોવા મળ્યું. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી વચ્ચે રહે તેવી આગાહી છે. આ વર્ષે જોકે જોઈએ એવી ઠંડી પડી નથી. જો કે હાલમાં પડેલા માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધેલું જોવા મળ્યું છે. 


જ્યોતિષોએ એવી આગાહી કરી છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે. બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચે આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલેક ઠેકાણે કમોસમી વરસાદની શક્યતા છે. એવી પણ આગાહી કરાઈ છે કે 20મી માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાય તેવી આગાહી છે.