કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે રાજકીય ઘમાસાણ વધી ગયું છે. પશ્ચિમ બંગાળ સરકારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલીની મંજૂરી આપી નથી. પુરુલિયાના એસપીએ કહ્યું છે કે જો યોગી આદિત્યનાથ રેલી કરશે તો તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈન અને એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ પશ્ચિમ બંગાળ સરકારે રેલી કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. હુસૈન મુર્શિદાબાદ અને શિવરાજ સિંહ બેહરામપુરમાં રેલી કરવા માંગતા હતાં. આ અગાઉ મમતા બેનરજીએ એવો દાવો કર્યો હતો કે તેમણે યોગીની રેલી પર કોઈ રોક લગાવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરુલિયાના એસપી આકાશ મઘારિયાએ કહ્યું કે ગ્રાઉન્ડ સ્તરે તથ્યો અને આંકડાઓને જોતા રેલીની મંજૂરી અપાઈ નથી. તેમણે કહ્યું કે હવે બધુ યોગી આદિત્યનાથ પર છે કે  તેઓ શું કરે છે. આ અગાઉ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે તેમને બેહરામપુરમાં રેલીની મંજૂરી આપવામાં આવતી નથી. ભાજપના નેતા શાહનવાઝ હુસૈનનો પણ રસ્તો રોકવામાં આવ્યો. અગાઉ  પુરુલિયામાં હેલિકોપ્ટરના લેન્ડિંગની મંજૂરી ન મળતા મુખ્યમંત્રી આદિત્યનાથે ટ્વિટ કરીને મમતા બેનરજી પર ખુબ પ્રહારો કર્યા હતાં. 


ટાગોરનું નામ લઈને મમતા પર પ્રહારો
સીએમ યોગીએ કહ્યું હતું કે મને અત્યંત દુખ છે કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કર્મભૂમિ, આપણું બંગાળ, આજે મમતા બેનર્જી અને તેમની સરકારની અરાજકતા તથા ગુંડાગીરીથી પીડિત છે. હવે સમય આવી ગયો છે કે બંગાળને એક સશક્ત લોકતાંત્રિક આંદોલનના માધ્યમથી બંધારણની રક્ષા હેતુ આ સરકારથી મુક્ત કરવામાં આવે. હું આજે પુરુલિયામાં તમારા બધા વચ્ચે આ આંદોલનની ધ્વજા લઈને ભ્રષ્ટાચારીઓના ગઠબંધન માટે પડકાર બનીને ઊભો રહી જઈશ. 


CM યોગી પાસે યુપીમાં ઊભા રહેવાની જમીન નથી, એટલે બંગાળના ચક્કર કાપે છે: મમતાનો કટાક્ષ


મમતાએ કહ્યું યુપી સંભાળે આદિત્યનાથ 
ભાજપ વિરુદ્ધ ઉગ્ર વલણ ધારણ કરી ચૂકેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે પહેલા ઉત્તર પ્રદેશમાં ધ્યાન આપવાની જરૂર છે. યુપીમાં અનેક લોકોની હત્યા થઈ છે. પોલીસ અધિકારીઓની પણ હત્યા થઈ છે. મોબ લિંચિંગ થઈ રહ્યું છે. આ જ કારણે જો યોગી આદિત્યનાથ પણ ચૂંટણી લડે તો તેઓ પણ હારી જશે. તેમની પાસે હાલ યુપીમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી, આથી તેઓ બંગાળના ચક્કર લગાવી રહ્યાં છે. 


ઝારખંડના રસ્તે પશ્ચિમ બંગાળ જવાના છે યોગી
પુરુલિયામાં સીએમ યોગીની રેલી છે પરંતુ મમતા સરકારે તેમને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. હવે એસપીએ કહ્યું કે રેલીની પણ મંજૂરી નથી. આવામાં સીએમ યોગીએ ઝારખંડના રસ્તે પશ્ચિમ બંગાળમાં પ્રવેશવાનો નિર્ણય  લીધો છે. તેઓ પહેલા હેલિકોપ્ટરથી ઝારખંડ જશે અને ત્યારબાદ સડક માર્ગે પશ્ચિમ બંગાળ પહોંચીને રેલીને સંબોધશે. નક્કી કાર્યક્રમ મુજબ 3.25 વાગે તેમણે રેલીને સંબોધન કરવાનું છે. 


મમતા સરકારે હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. હવે તેમનું હેલિકોપ્ટર ઝારખંડના બોકારોમાં લેન્ડ કરશે અને અહીંથી તેઓ સડક માર્ગે પુરુલિયા જવા નીકળશે. બોકારોથી પુરુલિયાનું અંતર લગભગ 54 કિમી છે. રોડ માર્ગે સવા કલાક જેટલો સમય થાય છે. યોગીનો કાફલો બોકારોથી સીધો પુરુલિયા રેલીના આયોજન સ્થળે પહોંચશે. 


પૂર્વ સીએમ શિવરાજના હેલિકોપ્ટરને પણ લેન્ડિંગની મંજૂરી નથી
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ મમતા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષો પોતના વિચાર જનતા સમક્ષ રજુ કરે છે. મમતા બેનર્જીને કઈ વાતનો ડર છે. બેહરામપુરમાં મારી પણ એક રેલી છે. પરંતુ મને જાણવા મળ્યું છે કે મારા હેલિકોપ્ટરને લેન્ડિંગ અને રેલીની મંજૂરી અપાઈ નથી. 


આ અગાઉ પશ્ચિમ બંગાળમાં બાલુરઘાટમાં 3 ફેબ્રુઆરીના રોજ સીએમ યોગીની રેલી થવાની હતી. મમતા સરકારે યોગીની રેલી માટે તેમના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપી નહતી. બાલુરઘાટમાં યોગી આદિત્યનાથને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન મળી તો તેમણે ફોન પર રેલી સંબોધી. તેમણે ભાષણની શરૂઆત જ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકાથી કરી હતી. 


દેશના મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...