Railwayનું નવું પ્લાનિંગ: ખુદાબક્ષ મુસાફરોએ ચુકવવા પડશે 1000નો દંડ
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરનારા લોકો પાસેથી 1000 સુધીનો દંડ વસુલવા માટેનું પ્રાવધાન કરવા માટેની માંગ
નવી દિલ્હી : ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરતા ખુદાબક્ષો માટે ખરાબ સમાચાર છે. રેલ્વેની તરફથી આવા ખુદાબક્ષોને પકડવામાં આવે ત્યારે હવે 1000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. રેલ્વે દ્વારા ટિકિટ વગર યાત્રા કરનારા લોકો પર લગામ લગાવવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલ્વેએ ટિકિટ વગર યાત્રા કરનાર લોકો પાસેથી વસુલાતો દંડ હાલની રકમ કરતા વધારીને ચાર ગણી કરી દેવા માટેનો પ્રસ્તાવ આપ્યો છે.
હાલ 250 રૂપિયાનાં દંડનું પ્રાવધાન
હાલ ટિકિટ વગર યાત્રા કરનાર વ્યક્તિને 250 રૂપિયાનો દંડ ચુકવવાનો હોય છે. જો કે હવે તે વધીને 1000 રૂપિયા થઇ શકે છે. પશ્ચિમી રેલ્વે બોર્ડ દિલ્હી પાસ એક પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ ગત્ત અઠવાડીયે રેલ્વે બોર્ડનાં ચેરમેન અશ્વિની લોહાનીના મુંબઇ મુલાકાત દરમિયાન પણ રજુ કરવામાં આવ્યો હતો. રેલ્વે બોર્ડની તરફથી આ પ્રસ્તાવ પર વિચાર કરવા માટેનું આશ્વાસન પણ આપવામાં આવી ચુક્યું છે.
3.94 લાખ યાત્રીઓ ટિકિટ વગર પકડાયા
અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલ્વેએ એપ્રીલમાં ટિકિટ વગર યાત્રા કરનારા 3.94 લાખ યાત્રીઓને પકડ્યા હતા. તેમાં પરવાનગી નહી હોવા છતા લગેજ લઇ જનારા યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ યાત્રીઓએ રેલ્વેને 15.34 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો હતો, જે એપ્રીલ 2017માં વસુલવામાં આવેલ દંડથી 26 ટકા વધારે હતો. રેલ્વેને આશા છે કે દંડની રકમ વધારવાથી ખુદાબક્ષ યાત્રીઓની સંખ્યામાં ઘટાડો થશે.
હાલનાં 250 રૂપિયાનાં દંડ પહેલા ટિકિટ વગર યાત્રા કરનારા લોકો પાસેથી 50 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જે 2000નાં વર્ષમાં આ રકમ વધારીને 50માંથી 250 કરી દેવાઇ હતી. અધિકારીઓનું કહેવું છે કે, રોજિંદી રીતે મુસાફરી કરનારા યાત્રીઓ તેમ વિચારીને ટિકિટ નથી લેતા કારણ કે તેમને લાગે છે કે પકડાશે તો પણ દંડની રકમ રોજિંદા પાસ કરતા ઘણી ઓછી હશે. ઉલ્લેખનીય છેકે સેન્ટ્રલ રેલ્વેમાં રોજિંદી રીતે 3 હજાર જ્યારે વેસ્ટર્ન રેલ્વેમાં આશરે 1300 યાત્રીઓ ટિકિટ વગર યાત્રા કરે છે.