જો ભાજપને લાગે છે કે હું કોંગ્રેસનો એજન્ટ છું, તો હા છું : હાર્દિક પટેલ
હાર્દિક પટેલ આવતા મહિનાથી નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી યાત્રા ચાલુ કરશે અને 100 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે
ઇંદોર : ગુજરાતનાં પાટીદાર નેતા હાર્દિક પટેલની જાહેરાત કરી કે તેઓ મધ્યપ્રદેશમાં આ વર્ષનાં અંતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાતાઓને જાગૃત કરવા માટે યાત્રા કાઢશે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ખાસ કરીને યુવાનો અને ખેડૂતોની આશા પર ખરી નથી ઉતરી. હાર્દિક પટેલે કહ્યું કે, હું નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી આગામી મહિનાથી પોતાની યાત્રા ચાલુ કરીશ. મહીનાની આ યાત્રા બે તબક્કામાં બુંદેલખંડ, મહાકૌશલ, અને માલવા નિમાડની આશરે 100 જેટલી વિધાનસભામાંથી પસાર થશે. તેણે જણાવ્યું કે, તે પોતાની યાત્રા દરમિયાન 50 નાની સભાઓ સાથે ઇંદોર, ભોપાલ, ધાર અને સાગરામાં ચાર મોટી રેલીઓને સંબોધિત કરશે.
24 વર્ષીય નેતાએ કહ્યું કે, અમે આ યાત્રા દ્વારા યુવાનો અને ખેડૂતોમાં જાગૃતતા લાવવા માંગીએ છીએ. અમે એવું ક્યારે પણ નહી કહીએ કે મતદાતા આગામી વિધાનસભામાં કયા દળના ઉમેદવારને પસંદ કરે. અમે મતદાતાઓને અપીલ જરૂર કરીશું કે તેઓ પોતાનાં હાલનાં ધારાસભ્યોની યોગ્ય કસોટી કરે. પ્રદેશની ભાજપ સરકાર જનતા, ખાસ કરીને યુવાનો અને ખેડૂતની અપેક્ષા પર ખરી નથી ઉતરી શકી. જો મારા દ્વારા જનતાનાં હિતોનો મુદ્દો ઉઠાવવા અંગે ભાજપને લાગે છે કે હું કોંગ્રેસનો એજન્ટ છું. તો હા હું કોંગ્રેસનો એજન્ટ છું.
રાજનીતિ અંગે પુછાતા હાર્દિકે કહ્યું કે, જ્યારે હું લોકોના અનુસાર સમાધાનની રાજનીતિ કરવામાં સક્ષમ થઇ જઇશ, ત્યારે હું રાજનીતિની દુનિયામાં પગ મુકીશ. મે રાજનીતિમાં નહી આવવાની ક્યારે પણ મનાઇ કરી નથી.
હાર્દિકનાં કાફલા પર પથ્થરમારો
બુધવારે જબલપુરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હાર્દિક પટેલનાં કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર પટેલનાં કાફલા પર કેટલાક લોકોએ કથિત રીતે ઇંડા, ચપ્પલ, પથ્થર ફેંક્યા. આ વર્ષે નવેમ્બરમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે. આ ચૂંટણીને ધ્યાને રાખી હાર્દિક પટેલ અહીં કિસાન ક્રાંતિ સેના દ્વારા આયોજીત એક જનસભામાં ભાગ લેવા માટે આવ્યો હતો.