વિજય માલ્યાને ભારત લાવવામાં હજુ કેટલો સમય લાગી શકે છે, સમજો 5 પોઈન્ટમાં
ભારતમાં કિંગફિશર એરલાઈન્સ દ્વારા દેવાળું ફૂંકી દીધા બાદ કાયદાની ચૂંગલમાંથી બચવા માટે ભાગી છૂટેલા વિજય માલ્યાને સોમવારે બ્રિટનની અદાલતે મોટો ઝટકો આપતાં ભારત પ્રત્યાર્પણ માટેની મંજૂરી આપી દીધી છે
લંડનઃ ભારતમાં દેવાળું ફૂંકીને ભાગી છૂટેલા વિજય માલ્યાને સોમવારે બ્રિટનની અદાલતે મોટો ઝટકો આપતાં ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. અત્યારે બ્રિટનમાં રહેતા 62 વર્ષના માલ્યાને ગયા વર્ષે એપ્રિલમાં પ્રત્યાર્પણ વોરન્ટ પછી થયેલી ધરપકડ બાદ માલ્યા જામીન પર છૂટેલા છે. વિજય માલ્યા પર ભારતીય બેન્કોના રૂ.9000 કરોડનું દેણું છે અને કિંગફિશર એરલાઈન્સ માટે બેન્કો પાસેથી લીધેલા ધીરાણમાં હેરાફેરી અને મની લોન્ડરિંગનો પણ તેના પર આરોપ છે.
આ એરલાઈન્સ બંધ થઈ ચૂકી છે. આ કેસ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ બ્રિટનની અદાલતમાં શરૂ થયો હતો. આ કેસની સુનાવણી માટે પ્રારંભમાં 7 દિવસ નક્કી કરાયા હતા, પરંતુ તે એક વર્ષ જેટલી લાંબા ચાલી હતી. બ્રિટનની અદાલતે માલ્યાના પ્રત્યાર્પણ માટે ભલે મંજૂરી આપી દીધી હોય, પરંતુ હજુ તેને ભારત લાવવામાં ઘણો સમય લાગી શકે છે. સમજો નીચેના 5 પોઈન્ટમાં:-
1. બ્રિટનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની આદલતના મુખ્ય ન્યાયાધિશ એમ્મા આબુથનોટે માલ્યાના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે, જેથી તેની સામે ભારતીય તપાસ એજન્સીઓ સીબીઆઈ અને ઈડીની તપાસના આધારે કેસ ચલાવી શકે.
વિજય માલ્યાના પ્રત્યર્પણને લંડન કોર્ટે આપી મંજૂરી, મોદી સરકારની મોટી સફળતા
2. બંને પક્ષો પાસે અપીલ માટે 14 દિવસનો સમય રહેશે.
3. આ ચૂકાદા બાદ કેસને બ્રિટનના ગૃહ વિભાગને મોકલવામાં આવશે. ગૃહમંત્રી સાજિદ જાવિદ તેના આધારે નિર્ણય આપશે. જ્યાં સુધી ગૃહમંત્રી હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી પ્રત્યાર્પણ થઈ શકે એમ નથી. અહીં નિર્ણય લેવાની કોઈ સમયમર્યાદા હોતી નથી. જેમ કે, ટાઈગર હનીફના કેસમાં થયું છે. હનીફનો કેસ બ્રિટનના ગૃહમંત્રાલય પાસે પડતર છે.
ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી ખાસ 5 બાબતો અને ગુજરાત કનેક્શન...
4. ગૃહમંત્રાલયની મંજૂરી મળી ગયા બાદ પણ વિજય માલ્યા પાસે બ્રિટનની સ્થાનિક કોર્ટ કે હાઈ કોર્ટમાં ન્યાયાલયના ચૂકાદાને પડકારવાનો અધિકાર હશે.
5. જો આ બંને ન્યાયાલયમાં પણ માલ્યાની વિરુદ્ધ ચૂકાદો આવે છે તો તે ગૃહ મંત્રાલયમાં પણ અપીલ કરી શકે છે.
અત્યાર સુધીનો ઘટનાક્રમ
માલ્યાએ તેને ભારતને સોંપવા સામેની અરજીને કોર્ટમાં પડકારી હતી અને આ બહુચર્ચીત કેસ ત્યાં લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો છે. માલ્યાએ દલીલ રજૂ કરી હતી કે, તેણે બેન્કો સાથે કોઈ હેરાફેરી કે ચોરી કરી નથી. માલ્યાએ પત્રકારોને જણાવ્યું કે, 'મારી સંપત્તીઓની કિંમત જ એટલી છે, કે જેનાથી હું તમામ દેવું ચૂકવી શકું એમ છું. અત્યારે હું તેના પર જ કામ કરી રહ્યો છું.' માલ્યાએ જણાવ્યું કે, તેની કાનુની ટીમ આ ચૂકાદાની સમીક્ષા કર્યા બાદ આગળનું પગલું લેશે.