વિદેશમાં ભણવા માંગો છો તો કેનેડાને ભૂલી જાઓ, આ દેશો સસ્તા-સારા અને બચાવે છે લાખો રૂપિયા
Study Abroad : દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. જેમાંથી મોટી સંખ્યામાં કેનેડા જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડા કરતાં કેટલાક દેશોમાં ભણવું સસ્તું અને સારું છે. જેમાં જર્મની, નોર્વે, પોલેન્ડ અને ઈટાલી જેવા દેશો સામેલ છે.
Study Abroad : દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે. જેમાંથી કેનેડા એક છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય અંગે ચિંતિત છે. પરંતુ જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે, તો કેનેડા સિવાય તેના માટે ઘણા વિકલ્પો છે. જ્યાં કેનેડા કરતાં શિક્ષણ સસ્તું અને સારું છે. ચાલો આપણે એવા કેટલાક દેશો પર નજર કરીએ જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકે છે.
પોલેન્ડમાં અભ્યાસક્રમો-
ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડમાં ગ્રેજ્યુએશન લેવલનો કોઈ કોર્સ કરવા જાય તો અહીં વાર્ષિક ફી છથી સાત લાખ રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર, પોલેન્ડમાં બેચલર અને માસ્ટર ડિગ્રી કોર્સની ફી 1 લાખ 70 હજાર રૂપિયાથી લઈને 3.5 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે પીએચડીની ફી લગભગ 2 લાખ 60 હજાર રૂપિયા છે, જ્યારે એમબીએ મેડિસિનની ફી લગભગ 7 લાખથી 10 લાખ રૂપિયા છે. જોકે, પોલેન્ડ વિશે એવું કહેવાય છે કે એડવાન્સ એજ્યુકેશન સ્ટડી માટે અહીં જવું વધુ સારું છે. નોન-ઇયુ વિદ્યાર્થીઓને પણ ગ્રાન્ટ મળે છે.
નોર્વેમાં સૌથી ઓછી ફી-
નોર્વેમાં અભ્યાસ કરવો ખૂબ સસ્તો છે. નોર્વેમાં રહેતા દરેક માટે શિક્ષણ મફત છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે માત્ર રહેઠાણ અને ખાવાનો ખર્ચ કરવો પડે છે. અહીં રહેઠાણની સાથે શિક્ષણનો સરેરાશ ખર્ચ 2 થી 18 લાખ રૂપિયા પ્રતિ વર્ષ આવે છે.
આયર્લેન્ડ-
કેનેડામાં અભ્યાસ કરતાં આયર્લેન્ડમાં અભ્યાસ કરવો પણ સસ્તો છે. દર વર્ષે અહીં ભણવા પાછળ 9 થી 12 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
જર્મનીમાં અભ્યાસ-
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે જર્મની જાય છે. અહીં ફી વાર્ષિક 4 થી 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. જો કે તે કોર્સ પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ સ્નાતકનો કોર્સ કરવા જાય તો તેણે વાર્ષિક અઢી લાખ જેટલી ફી ચૂકવવી પડી શકે છે. જ્યારે MSની ફી 2.5 લાખથી 25 લાખ સુધીની છે.
ઇટાલીમાં ઉચ્ચ અભ્યાસ કરો-
ઇટાલી પણ ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ સારો દેશ છે. ઈટાલીમાં અંડરગ્રેજ્યુએટ કોર્સ કરવા માટે દર વર્ષે 80 હજાર રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે દર મહિને આવાસ પાછળ 700 થી 1000 યુરો ખર્ચવામાં આવે છે. ઇટાલીમાં ફી ઘણા યુરોપિયન દેશો કરતાં ઓછી છે.
કેનેડામાં અભ્યાસ કરવા માટે કેટલો ખર્ચ થાય છે?
વર્ષ 2022માં કેનેડાના વિઝા મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2,25,000 હતી. કેનેડામાં અભ્યાસના ખર્ચની વાત કરીએ તો, કોઈપણ ગ્રેજ્યુએશન લેવલના કોર્સની ફી 10 થી 21 લાખ રૂપિયા સુધીની હોય છે. આ સિવાય રહેઠાણ અને અન્ય ખર્ચ અલગ છે