સ્વિત્ઝરલેન્ડ કરતાં પણ સુંદર છે ગુજરાતનું આ હિલ સ્ટેશન, મનને મોહી લેશે વાદળોનું સામ્રાજ્ય
ડાંગ જિલ્લાના સાપુતારા સહિત પૂર્વભાગમાં ડોન હિલ સ્ટેશન સાથે ડાંગ જિલ્લામાં વધુ પ્રચલિત બનતા આહવા સનસેટ પોઈન્ટ ઉપર પણ વાદળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
વહેલી સવારથી લીલાછમ પર્વતોની હારમાળા ઉપર વાદળોની ચાદર છવાઈ જતા મનમોહક દ્રશ્ય સર્જાયા છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જિલ્લાના મુખ્ય મથક એવા આહવાના સનસેટ પોઈન્ટ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
ગિરિમથકની સુંદરતા, લીલાછમ જંગલો, પર્વતો અને ધોધ માટે ડાંગ પ્રખ્યાત છે. ડાંગ ગુજરાતમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. આ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 875 મીટરની ઉંચાઈ પર આવેલું છે જે પર્યાવરણ પ્રેમીઓ, વન્યજીવન ઉત્સાહીઓ અને સાહસિક રમતના શોખીનો માટે સ્વર્ગ માનવામાં આવે છે.
સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 1.5 કિમીના અંતરે આવેલું, “સાપુતારા તળાવ” ખીણમાં સૌથી પ્રખ્યાત પિકનિક પ્લેસ પૈકીનું એક છે. હરિયાળીથી શણગારેલું આ માનવસર્જિત તળાવ તેની નૌકાવિહાર પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.
ચોમાસા દરમ્યાન અહીં વાદળો પર્વતો સાથે સંતાકૂકડી રમે છે. અહીંના આ નયનરમ્ય દ્રશ્ય કોઈ ટાપુની સુંદરતાના દર્પણ સમાન લાગે છે. સાપુતારા પશ્ચિમ ઘાટમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક અનોખું નાનું હિલ સ્ટેશન છે.