જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો

Wed, 12 Aug 2020-2:48 pm,

દ્વારકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, ભક્તો બંધ દરવાજો જોઈને પાછા ફર્યાં છે. પહેલીવાર મંદિર બહારનો માહોલ નિરસ બન્યો છે. 

જન્માષ્ટમી સહિતના તહેવારોમાં દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાને કારણે આજે અરબી સમુદ્રમાં ગોમતી નદીના સંગમ સ્થાન પર શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી છે. જન્માષ્ટમીના તહેવાર છતાં પ્રશાસનના આદેશના કારણે ભક્તોની ભીડ પણ તટ પર જોવા નથી મળી. દ્વારકા મંદિરના પૂજારી પ્રણવભાઈએ કહ્યું કે, આજે પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તમામ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકે છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. 

તો ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું હતું. સમગ્ર મંદિરમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું છે.  

દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે ખાસ કરી જગતમંદિરની ભીતરમાં કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જગતમંદિર જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભક્તો માટે બંધ રાખવામાં આવેલું છે, ત્યારે તંત્ર દ્વારા ભક્તો ઘરે બેઠા ધામધૂમ પૂર્વક ઉજવણી જોઈ શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન રાત્રિના જન્મોત્સવ દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બનાવવા અને ભક્તો ભાવપૂર્વક અને ધામધૂમ પૂર્વક જન્મોત્સવ ઉજવી શકે તે માટે કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે ભગવાનના હાલરડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link