લોકસભા ચૂંટણી 2019ઃ ભાજપમાં જોડાયેલા વિવિધ ફિલ્મ કલાકારો
પિતા ધર્મેન્દ્ર અને હેમામાલિની પછી હવે પુત્ર સની દેઓલ પણ ભાજપમાં જોડાઈ ગયો છે. મંગળવારે, 23 એપ્રિલના રોજ સની દેઓલે સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામનના હાથે પાર્ટીનું સભ્યપદ લીધું હતું. ભાજપ પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પર સની દેઓલને ઉતારવા માગે છે.
ભોજપુરી ફિલ્મોના ટોચના અભિનેતા અને હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવનારા રવિ કિશનને ભારતીય જનતા પાર્ટીએ ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.
ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ નિરહુઆ પણ ભાજપમાં જોડાયો છે અને અત્યારે તે આઝમગઢ બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે.
હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી જયાપ્રદા પણ તાજેતરમાં જ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયાં છે અને પાર્ટીએ તેમને રામપુર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.
બંગાળી અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મોસમી ચેટરજી પણ ભાજપમાં જોડાઈ હતી. જાન્યુઆરી, 2019માં પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કેસરીયો ખેસ પહેરાવીને તેમનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની નોર્થવેસ્ટ લોકસભા સીટ પર સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપીને સુફી ગાયક હંસરાજ હંસને આ બેઠક પર ઉમેદવાર બનાવ્યો છે.
બંગાળી ફિલ્મ અભિનેતા બિશ્વજીત ચેટરજી ફેબ્રુઆરી, 2019માં ભાજપમાં જોડાયા હતા. વર્તમાનમાં પાર્ટીના સ્ટાર પ્રચારોકોની યાદીમાં તેમનું નામ સામેલ થયેલું છે. (ફોટો સાભાર- ફાઈલ ફોટો- ANI)