IVF થી જન્મેલી ગીર ગાયની પ્રથમ વાછરડીની પહેલી દિવાળી, દેશનો પ્રથમ કિસ્સો!

Sun, 12 Nov 2023-12:14 pm,

ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ આઈ.વી.એફ. ટેકનોલોજીના પ્રયોગ દ્વારા અમરેલીની અમર ડેરીના ગીર ગાયના સંવર્ધન માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ ગીર ગાયના એમ્બ્રીયોથી આઈ.વી.એફ. ટેકનોલોજી દ્વારા પ્રથમ વાછરડીનો જન્મ થયો છે. જેને ગોળ ખવરાવીને તેના વધામણાં કર્યા અને આ સાથે ગાયનો એમ્બ્રીયો તૈયાર કરનાર પશુ ચિકિત્સકો અને એમ્બ્રીયોનું ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબો તેમજ કર્મયોગીઓનું સન્માન કર્યું.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પશુ સંવર્ધનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાય -ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોની આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુઓમાં આઈ.વી.એફ. થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 15 હજારની સહાયની આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રથમ વર્ષે પ્રાયોગિક ધોરણે રાજ્યના 1000 પશુપાલકોને લાભ આપવા  માટે રૂ. 1 કરોડ 50 લાખની જોગવાઈ કરી છે.  

સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરી અંદાજે 12 થી 20 જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા માદા પશુઓનો મહત્તમ ઉપયોગ શક્ય છે, અને આડકતરી રીતે વધુ દુધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓ પશુપાલકોને ઉપલબ્ધ કરાવી પશુપાલકની આવકમાં વધારો થઈ શકે છે. 

ઉચ્ચ આનુંવંશીક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં ફલીનીકરણ કરતાં મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય અને તેના પરિણામે વધું દૂધ ઉત્પાદન આપતા પશુઓ (ઉચ્ચ ગુણવત્તા વાળી વાછરડી/પાડી) પ્રાપ્ત થતાં પશુપાલક આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. આ ઉપરાંત ઓછી આનુવંશિકતા અને ઓછુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા અને પશુપાલકને આર્થિક રીતે બોજારૂપ પશુઓનો રેસીપીઅન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ ટેક્નોલોજી પશુપાલકો માટે વધુ આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.

આ પ્રકારની ઉપ યોગિતાને ધ્યાને લઇને જ ભારત સરકાર દ્રારા રાષ્ટ્રિય ગોકુલ મિશન અંતર્ગત સેક્સડ સીમેનના ઉપયોગથી આઈ.વી. એફ. ટેક્નોલોજી દ્વારા ઉત્પન્ન કારાયેલ ભ્રૂણથી ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ગર્ભાવસ્થાનો ઝડપી ઓલાદ સુધારણા માટેનો કાર્યક્રમ અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમનાં અમલીકરણ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદને નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવેલ છે અને પશુમાં ગર્ભાવસ્થાની ખાતરી થાય તો, આઈ.વી.એફ. ટેકનોલોજીથી ગર્ભધારણ માટે અંદાજે થતાં કુલ રૂ.21,000/- ના ખર્ચ સામે ભારત સરકાર દ્વારા પ્રતિ ગર્ભાવસ્થા માટે પશુપાલકને  રૂ.5000/-ની સહાય આપવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link