કડકડતી ઠંડી માટે રહો તૈયાર! તાપમાનમાં થવાનો છે ઘટાડો, જાણો અંબાલાલ અને હવામાનની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે.
ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ગાંધીનગર, નલિયામાં તો તાપમાન સતત ઘટી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. બીજીતરફ અંબાલાલ પટેલે પણ હવામાનની જાણકારી આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માલદીવ અને વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં નીચલા ટ્રોપોસ્ફિયરમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર સુધી ભારતીય વિસ્તારમાં ચાટ બની છે. જેના કારણે દક્ષિણ ભારતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળી ચમકશે. પૂર્વ અરબી સમુદ્ર લક્ષદ્વીપ વિસ્તાર, કોમોરિન વિસ્તાર દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબારમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી પણ કહે છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 21 નવેમ્બર 2024 ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓની દક્ષિણે આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે. આ ચક્રવાત 22 થી 23 નવેમ્બરની વચ્ચે વધુ તીવ્ર બની શકે છે. જો આમ થશે તો 23 નવેમ્બર સુધીમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે. IMDનો અંદાજ છે કે 23 નવેમ્બર સુધીમાં મંદી સર્જાવાની સંભાવના છે.
IMDના રિપોર્ટ અનુસાર, લો પ્રેશર ધીમે ધીમે મજબૂત થશે અને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, ત્યારબાદ તે વધુ મજબૂત બનશે અને પછી ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. IMD એ સંકેત આપ્યો છે કે આ સિસ્ટમ આખરે 26 અને 27 નવેમ્બરે ઉત્તરી શ્રીલંકામાં ટકરાશે.