Ind Vs Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં અનેક રેકોર્ડની લાગી વણઝાર

Fri, 26 Mar 2021-11:04 pm,

લોકેશ રાહુલ (Lokesh Rahul) ટી-20 સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. જેમાં તેના નામે 4 મેચમાં 15 રન હતા. જ્યારે બે વખત તો શૂન્ય પર આઉટ થયો હતો. એવામાં વન-ડે (ODI) સિરીઝમાં તેની પસંદગી પર શંકા હતી. જોકે વિરાટ કોહલી (Virat Kohli) અને કોચે તેનો બચાવ કર્યો હતો. રાહુલે તેની પસંદગીને સાર્થક કરતાં બીજી વન-ડેમાં સદી ફટકારી. તેણે 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવ્યા. તેની સાથે જ તેણે પોતાની સદીનો આંકડો 5 પર પહોંચાડી દીધો છે. પહેલી વન-ડેમાં પણ રાહુલે અર્ધસદી ફટકારી હતી.

રિષભ પંતે (Rishabh Pant) ટેસ્ટ અને ટી-20 સિરીઝ પછી વન-ડે સિરીઝમાં પણ પોતાનું કૌવત ઝળકાવ્યું. બીજી વન-ડેમાં (ODI) તેને શ્રેયસ ઐય્યરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા પંતે 40 બોલમાં 3 ચોક્કા અને 7 સિક્સની મદદથી 71 રન બનાવ્યા. જેમાં 54 રન તો માત્ર બાઉન્ડ્રીની મદદથી બનાવ્યા. 17 વન-ડે મેચ રમી ચૂકેલા પંતની આ બીજી અર્ધસદી છે.

ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટોએ ભારત સામે સિરીઝની બીજી વન-ડેમાં શાનદાર સદી ફટકારી. તેણે ઈનિંગ્સની 31મી ઓવરના પહેલા બોલે સિક્સ ફટકારીને પોતાની સદી પૂરી કરી. બેરસ્ટોની આ કારકિર્દીની 11મી સદી રહી. અને તેણે વન-ડેની સૌથી ઈનિંગ્સમાં 11 સદી ફટકારવાના મામલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. બેરસ્ટોએ 11 વન-ડે સદી બનાવવા માટે 78 ઈનિંગ્સ રમી. જ્યારે વિરાટ કોહલીએ 82 ઈનિગ્સમાં 11 વન-ડે સદી પૂરી કરી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા ટોપ પર છે. તેણે 64 ઈનિંગ્સમાં 11 વન-ડે સદી ફટકારી હતી. તેના પછી ક્વિન્ટન ડિ કોક 65 ઈનિંગ્સ અને પાકિસ્તાનના બાબર આઝમની 71 ઈનિંગ્સનો સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયાએ બીજી વન-ડેમાં પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટે 336 રનનો જંગી સ્કોર ઉભો કર્યો. ટીમે સતત પાંચમી વખત મેચમાં 300થી વધારે રન બનાવ્યા. પરંતુ તેમ છતાં ટીમ 2020માં અડધાથી વધારે વન-ડે મેચ હારી છે. તેનું સીધું કારણ પાવર પ્લે એટલે પહેલી 10 ઓવરમાં વિકેટ ન લઈ શકવું છે. વન-ડે સિરીઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી 10 ઓવરમાં એક વિકેટ લઈ શકી નથી. બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે લક્ષ્યનો પીછો કરતાં 10 ઓવરમાં 59 રન બનાવ્યા. અને કોઈ વિકેટ ગુમાવી નહી. તો પહેલી વન-ડે મેચમાં વિના વિકેટે 89 રન બનાવ્યા હતા. જોકે પહેલી મેચમાં સારી રનરેટ હોવા છતાં પણ ઈંગ્લેન્ડની ટીમ મેચ હારી ગઈ હતી. જ્યારે બીજી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડે બાજી મારી લીધી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link