Photos : આ છે ગુજરાતના 5 સમૃદ્ધ મંદિરો, જેમાંથી 2 સોનાથી મઢાઈ રહ્યાં છે

Thu, 04 Oct 2018-6:50 pm,

સોમનાથ મંદિર ગુજરાતનું એકમાત્ર મંદિર છે, જે અનેકવાર તૂટ્યુ છે, અને અનેકવાર નવુ બનાવવામાં આવ્યું છે. વેદ પુરાણોમાં આ મંદિરનો ઈતિહાસ છે. શ્રીમદ ભાગવત, સ્કંદ પુરાણ, શિવપુરાણ તેમજ ઋગ્વેદમાં પણ આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે.  પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે, તેનું બાંધકામ વર્ષ 1950માં શરૂ થયું હતું. 1947માં સરદાર પટેલે આ મંદિરની મુલાકાત લઈને બાદમાં તેનું જીર્ણોદ્વાર કરવાનું નક્કી કર્યું હતું. ગુજરાતના સર્વશ્રેષ્ઠ કડિયા સોમપુરાના સલાટોએ ચાલુક્ય શૈલીના મંદિરને આકાર આપ્યો હતો. કહેવાય છે કે, આ મંદિરના શિવલિંગના પોલાણમાં સ્વામંતક મણિ છુપાવાયેલો છે, જેનામાં કોઈ પણ વસ્તુને સોનુ બનાવી દેવાની શક્તિ છે. આ મંદિરને સોનાથી મઢવામાં આવી રહ્યું છે. તેનું ગર્ભગૃહ અને પિલરોને સોનાની પરત ચઢાવાઈ છે. 

સોમનાથ જૂનાગઢથી 94 કિમી, રાજકોટથી 197 કિમી, અમદાવાદથી 410 કિમી દૂર છે. અહીં આવવા માટે સરકારી અને ખાનગી બસોની સુવિધા છે. સોમનાથ મંદિરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ રેલવે સ્ટેશન છે. તો નજીકનું એરપોર્ટ દીવ છે. જે સોમનાથથી 94 કિલોમીટર દૂર છે. 

અંબાજી મંદિર ભારતના 52 શક્તિપીઠોમાંનું એક કહેવાય છે. સતીના શવના ટુકડા જ્યાં જ્યા પડ્યા હતા, તે તે સ્થળો શક્તિપીઠ કહેવાય છે. જેમાં સતીના હાડનો ભાગ ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગિરીની બાજુના ડુંગર પર પડ્યો હોવાનું કહેવાય છે. માતાના નામ પરથી આ મંદિરનું નામ અંબાજી રાખવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભાદરવી પૂનમે અનોખો મહિમા જોવા મળે છે. ભક્તો ચાલતા ચાલતા મા અંબાને ધ્વજા ચઢાવવા પહોંચે છે. અંબાજી મંદિરના શિખરને પણ સોનાથી મઢવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અંદાજે 140 કિલો જેટલા સોનાથી તેને ઝળહળતું કરવામાં આવશે.

અંબાજી જવા માટે ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએથી બસની સેવા ઉપલબ્ધ છે. અંબાજી અમદાવાદથી 190 કિમીના અંતરે આવેલું છે. તો અંબાજીથી નજીકનું રેલવે સ્ટેશન 24 કિલોમીટર દૂર આબુ રોડ રેલવે સ્ટેશન છે. અંબાજીથી નજક અમદાવાદ એરપોર્ટ છે. 

દ્વારકા એ કૃષ્ણનગરી કહેવાય છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ નગરી શ્રીકૃષ્ણએ વસાવી હતી. તેથી જ દ્વારકા ચાર પવિત્ર ધામોમાંનું એક ગણાય છે. હાલમાં ગોમતી તટે 40 મીટર ઉંચા, સાત ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ એક મીટર ઉંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર બિરાજમાન છે. થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે તેવી સંરચના કરાયેલી છે. દ્વારકાધીશનું ૪૩ મીટર ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિધ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલું છે. મંદિરના અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું લાગે છે. જ્યારે અન્ય હિસ્સાઓ જેમકે મધ્યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટ પર અન્ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.

અહીંનું સૌથી નજીકનું હવાઈમથક જામનગર છે. આ સિવાય તમે રેલ દ્વારા પણ જઈ શકો છો. દ્વારકા જામનગરથી 132 કિમીના અંતરે આવેલું છે. બસ માર્ગ દ્વારા પણ અહીં પહોચી શકાય છે. ગુજરાતના જુદા-જુદા ભાગોમાંથી અહીં જવા માટે રાજ્ય પરિવહનની બસો અને લક્ઝરી બસ પણ મળી રહે છે. અમદાવાદથી દ્વારકા 440 કિમી દૂર છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. મહત્ત્વની બાબત તો એ છે કે, 1500 પગથિયા ચઢીને મંદિરમાં પહોંચવું પડે છે, પરંતુ ડુંગર પર જવા માટે રોપ-વેની પણ સુવિધા છે. ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે. પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. ભગવાન શિવજીના ક્રોધને ઠંડો કરવા વિષ્ણુ ભગવાનના ચક્રથી સતીના જમણા પગની આંગળી પાવાગઢ પર્વતના સૌથી ઊંચા શિખરના ટોચ પર પડી હતી. તેથી પાવાગઢ પણ 52 શક્તિપીઠોમાંનું એક કહેવાય છે. વૈદિક તથા તાંત્રિકવિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે. પાવાગઢનો ડુંગર એડવેન્ચરના શોખીનો માટે ટ્રેકિંગ કરવા પર પ્રખ્યાત છે.

પાવાગઢ મધ્ય ગુજરાતમાં આવેલું હોવાથી અહીં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળતાથી મળી રહે છે. વડોદરાથી દર 30 મિનિટે પાવાગઢ જવા માટેની બસ મળી રહે છે. પાવાગઢ અને વડાદરા વચ્ચેનું અંતર માત્ર 48 કિમી છે. પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો (ઓક્ટોબર) તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે. પાવાગઢથી નજીકનું રેલવે સ્ટેશન ચાંપાનેર અને વડોદરા એરપોર્ટ નજીક છે. (તસવીર સાભાર વીકિપીડિયા)

બાપ્સ (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા) દ્વારા ગાંધીનગરમાં 23 એકરમાં બનાવાયેલું ભવ્ય મંદિર એટલે અક્ષરધામ મંદિર. આ મંદિરની વિશેષતા એ છે કે તેના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરાયો નથી. માત્ર ગુલાબી પત્થરોથી મંદિર ઘડાયું છે. મંદિરમાં ભગવાન સ્વામીનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ બિરાજમાન છે. અક્ષરધામ મંદિર અમદાવાદની શાન સમુ કહેવાય છે. તેમજ અમદાવાદના ટુરિઝમમાં મોટો ફાળો આપે છે. અહીં દેશવિદેશથી રોજ હજારો ભક્તો આવે છે. તે અમદાવાદથી નજીક આવેલું પિકનિકનું બેસ્ટ સ્થળ પણ કહેવાય છે. 23 એકરના આ મંદિરમાં આરામથી એક આખો દિવસ પસાર થઈ જાય છે. દેશવિદેશની અનેક હસ્તીઓ આ મંદિરની મુલાકાત પણ લઈ ચૂકી છે.

અક્ષરધામ મંદિર અમદાવાદ એરપોર્ટથી 21 કિમી અને અમદાવાદ રેલવે સ્ટેશનથી 32 કિમી દૂર છે. ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની અવરજવર અહીં સતત ચાલુ રહે છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link