હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ શનિ-રવિની રજામાં જોવા મળશે કંઈક ખાસ, નવું આકર્ષણ ઉમેરાયું

Tue, 03 Oct 2023-12:44 pm,

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે અવનવા આકર્ષણો હાલ ઉપલબ્ધ છે. પ્રવાસીઓની સુવિધાઓ અને મનોરંજનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે, હવે અહીં આવતા પ્રવાસીઓ શનિવાર અને રવિવારે સાંજના સમયે, એસઆરપી પોલીસ બેન્ડની પ્રસ્તુતિનો આનંદ માણી શકશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર અધિક કલેકટર ગોપાલ બામણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતાનગર ના ચેરમેન મુકેશ પુરીની સૂચના અને સીઇઓ  ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં હવે નિયમિતપણે એસઆરપી પોલીસ બેન્ડ વગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

તા.7/10/2023થી દર શનિવારે સાંજે 6 થી 7 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં તેમજ રવિવારે આ જ સમયગાળામાં ચિલડ્રન ન્યુટ્રીશન પાર્ક ની બાજુમાં એકતા ફુડ કોર્ટ પાસે પોલીસ બેન્ડની પ્રસ્તુતિ થશે. પોલીસની એસઆરપી યુનિટના જવાનો વિવિધ પ્રસ્તુતિ દ્વારા પ્રવાસીઓનું મનોરંજન કરશે. એસઆરપી પોલીસ બેન્ડના આ આકર્ષણનુ સંકલન એસઆરપી જૂથ ૧૮,એકતાનગરના, નર્મદા બટાલિયનના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન કરશે.

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આવતી જાહેર રજાઓમાં 2 ઓકટોબર ગાંધી જયંતિ,તા. 27 નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. 25 ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link