જ્યાં દ્વારકા ડૂબી હતી, ત્યાં પહોંચ્યા સ્કુબા ડાઈવર્સ! મોરપીંછ આકારનું ફ્લોટીંગ બનાવી અદભૂત દ્રશ્ય રચ્યું
વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે જય દ્વારકા અભિયાન અંતર્ગત આ શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે સ્કુબા ડાયવર્સે દરિયામાં મોરપીંછ આકારનો ફલોટીંગ બનાવ્યો હતો. પાંચ હજાર વર્ષ પૂર્વે સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષોને ઉજાગર કરવા આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા, દ્વારકા તેમજ ગીર સોમનાથના ધારાસભ્ય, એસ.પી નિતેશ પાંડે સહિત હાજર રહ્યાં હતા. શ્રીક્રિષ્ના જલા જપા દિક્ષા’ ઈવેન્ટનું આયોજન રાજ્ય પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ITS 6H WOW નામની NGO દ્વારા કરવામાં આવ્યું.
દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રીકૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વફલક પર લાવવાના ઉદ્દેશથી જય દ્વારકા કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં ભારત રેકોર્ડ બનાવનાર સભ્યોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, દરિયાની અંદર જઈ પવિત્ર પૌરાણિક દ્વારકાના સૌ કોઈ દર્શન કરી શકે એના માટે સરકાર વહેલા તકે વ્યવસ્થા ઉભી કરશે.
હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી 300 ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાય છે. દેશમાં પહેલીવાર દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાનાં દર્શન થશે. ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ હવે સરકારે દ્વારકા કોરિડોર પર કામ કરી રહી છે. જે અંતર્ગત દરિયામાં ડુબી ગયેલી મૂળ દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારની કંપની ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યાં છે
દ્વારકા દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીનનું વજન અંદાજે 35 ટન હશે અને આ સબમરીન પૂરી રીતે એર કન્ડિશન હશે. તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે. દરેક સીટ વિન્ડો સીટ હશે. જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી જોઈ શકશે. સબમરીનમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે. કારણ કે, અન્ય 6 લોકો ક્રુ મેમ્બર્સ હશે. તેમાં 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, એક ગાઈડ અને એક ટેકનિશિયન સામેલ હશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામા આવશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે. જેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકશો અને રેકોર્ડ કરી શકશો.
પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. તેઓ દરિયામાં ડુબેલી અદભૂત કૃષ્ણ નગરીના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. ઈતિહાસ અને આધાત્મિકતા સાથેનો અનુભવ થયો. વડાપ્રધાન નરેમ્દ્ર મોદીએ દરિયામાં સોનાની દ્વારકાના અવશેષો પોતાની નજરે નિહાળ્યા. પંચકૂઈ પાસે કમરે મોરપિચ્છ ખોસીને ભગવા વસ્ત્રોમાં મોદી દરિયામાં ઊંડે સુધી ગયા હતા. તેમણે દ્વારકા નગરીને મોરપીંછ અર્પણ કરીને તેના બે હાથ જોડીને દર્શન કર્યા હતા.