તો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહી
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવરાત્રિ વચ્ચે વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પાછોતરો વરસાદનાં પગલે ડાંગરનાં ઉભા પાકને જંગી નુકસાન થયું હતુ.જેમાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં થોડાક સમય માટે વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
વલસાડ જિલ્લામાં વાપી અને આસપાસ વિસ્તારમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ કપરાડાના નાનાપોંડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. એ મુજબ ગઈકાલે પણ જિલ્લાના વલસાડ ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો .આજે સતત બીજા દિવસે કપરાડાના નાનાપોન્ઢા સહિત તાલુકાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આમ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..
આ સિવાય વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સિવાય રાજુલા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પડેલા વરસાદની વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. સુત્રાપાડાના ધામળેજ,લોઢવા, પ્રશ્નાવડા, વડોદરા ઝાલા વાવડી, સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો મહીસાગર, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ થવાની શક્યતા છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે.
નવરાત્રિના છેલ્લા નોરતે 11 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. તો ત્રીજા દિવસે 12 ઓક્ટોબરના રોજ પણ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ રહેશે.