પાણીમાંથી વેસ્ટ પ્લાસ્ટિકને દૂર કરવા આ ગુજ્જુ બાળકે બનાવ્યું અનોખું મશીન

Mon, 13 May 2019-5:56 pm,

વર્ષ 2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં પાણીની તંગી ઉભી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો બીજી તરફ વિશ્વમાં જ્યાં જ્યાં પાણીના સ્ત્રોત આવેલા છે તેમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે જ્યારે પાણીના સ્રોતમાં સોલીડ વેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમયે આ સ્રોતને સ્વચ્છ કરવા પણ આવશ્યક બન્યું છે. આવા વિચાર સાથે જ વડોદરાના માત્ર 13 વર્ષની ઉંમરના એક વિદ્યાર્થીએ જાતે એક અનોખું મશીન બનાવ્યું છે જે મશીન પાણીમાં રહેલા કચરાને સાફ કરી પાણીના કિનારે લઈ આવશે.આ મશીન બનાવનાર વિદ્યાર્થીનું નામ છે વરુણ સાઈકિયા અને તે શહેરની એક ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે.

વડોદરાના ઓ.પી રોડ પર પોતાના માતાપિતા સાથે રહેતા વરુણે ગત વર્ષે જૂન મહિનામાં થાઈલેન્ડ ખાતે બનેલા એક બનાવમાંથી આ મશીન બનાવવાની પ્રેરણા મળી હતી. થાઈલેન્ડમાં ગત વર્ષે એક વ્હેલ માછલી દરિયા કાંઠે મરી ગઈ હતી. અને તેનું મરવાનું કારણ પ્લાસ્ટિકનો વેસ્ટ હતો. મૃત વ્હેલ માછલીના પેટમાંથી 70 ટન પ્લાસ્ટિકનો કચરો નીકળ્યા બાદ વરુણને પાણીમાં રહેલા પ્લાસ્ટિકના વેસ્ટ અંગેની ભયાનકતા ખબર પડી હતી. તેણે બાળ સહજ બુદ્ધિથી પોતાની માતાને દરિયો સાફ કરવા માટેનું મશીન બનાવવા અંગેની વાત કરી હતી.   

વરુણની માતા રુચિરાએ તેને મશીન કેવી રીતે બનાવીશ અને જો મશીન બની જાય તો તેનો ઉપયોગ પહેલા નાના તળાવોમાં રહેલા પ્લાસ્ટિકના વેસ્ટને દૂર કરવામાં કરવો જોઈએ તે પ્રકારનું સૂચન આપી મશીન બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્લાસ્ટિકના કચરાને પાણીમાંથી દૂર કરવો જ પડશે એવા દ્રઢ સંકલ્પ સાથે વરુણે મશીન બનાવવા માટે પોતાની શાળાના શિક્ષકો સહિત ઈન્ટરનેટ સહિત અન્ય પાઠ્ય પુસ્તકોનો અભ્યાસ કર્યો અને મશીનની પહેલી પ્રોટોટાઈપ બનાવી. 

બનાવેલ મશીનની પ્રોટોટાઈપમાં સુધારા વધારા કરી અંતે તેને બેટરી અને રિમોટથી સંચાલિત કરી શકાય તેવી સિસ્ટમ વિકસિત કરી. વરુણે બનાવેલ મશીનનું નામ મકરા છે અને આ મશીનની વિશેષતા એ છે કે, તેને મશીનની પાછળની તરફ આર્યન બ્લેડ લગાવી છે જે પાણીમાં રહેલા કચરાને એકઠો કરે છે અને મશીનમાં લગાવેલ ફ્લોટર ભેગા થયેલા પ્લાસ્ટિકના કચરાને નેટમાં ધક્કો મારે છે. 

આ મશીન બનાવ્યા બાદ શહેરના નાના તળાવોમાં તેંનો પ્રાયોગિક અભયાસ કર્યો અને અંતે જ્યારે મશીન વ્યવસ્થિત રીતે કામ કરતું થયું ત્યારે આ મશીનને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ 2019ની સમિટમાં રજૂ કરવામાં આવ્યું. વાયબરન્ટમાં રજૂ કરાયેલ મશીનથી પ્રભાવિત થઈને રાજ્યપાલ ઓ.પી કોહલીએ તેના વખાણ પણ કર્યા હતા. 

વરુણ સાઈકિયાના આ ઇનોવેશનને જી ટી યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 40 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટની મદદથી વરુણ હવે આ મશીનથી પણ મોટું વર્જન બનાવી શકશે. વરુણએ આ મશીન બનાવવા પાછળ ઘણી મહેનત કરી છે અને તેની આ મહેનતનું પરિણામ પણ તેને મળ્યું છે જેનાથી તેની માતા પણ બહુ ગૌરવ અનુભવે છે.

વરુણે બનાવેલ મકરા મશીન અંગેની પ્રોટોટાઈપને પેટન્ટ કરાવવા માટે અરજી કરી દીધેલ છે. પેટન્ટ મળે એ પહેલાં જ વરુણે પોતાના મકરા મશીનથી વિશાળ એવું બીજું મશીન બનાવવાનું નક્કી કર્યું છે. મકરાથી પણ મોટું મશીન બનાવ્યા બાદ વરુણ તેંનું નામ ફ્લિપર રાખશે. હાલ આ મશીન બનાવવા માટે તે તૈયારી કરી રહ્યો છે. નવા મશીન ફ્લાઇપરની ખાસિયતએ હશે કે ફ્લિપર મકરા મશીન કરતાં વધુ હાઈટેક મશીન હશે. આ મશીનમાં બે પેડલ સિસ્ટમ હશે જેનાથી મશીનને આગળ પાછળ ઉપરાંત ટર્ન પણ કરી શકાશે.

આ મશીનની નેટબેન્કની કેપેસિટી 100 કિલોગ્રામ કચરો એકત્રિત કરવાની હશે. તો તેમાં અલ્ટ્રાસોનીક સેન્સર, ઇમેજ સેન્સર, જી.પી.એસ સેન્સર, તેમજ ફિશ આઈ લેન્સ કેમેરા પણ રાખવામાં આવશે. આ નવું મશીન બનાવવા પાછળ વરુણનો બે લાખ જેટલો ખર્ચ થઈ શકે છે. ફિલ્પર બનાવ્યા બાદ વરુણ આ મશીન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મહત્વની ગંગા શુદ્ધિકરણ યોજનામાં આપવાની ઈચ્છા ધરાવી રહ્યો છે. 

વરુણનું માનવું છે કે, ગંગા નદીમાં વહી રહેલા કેમિકલ વેસ્ટ,પ્લાસ્ટિક વેસ્ટ,કલચરલ વેસ્ટને કારણે હાલ નદીના કેટલાક વિસ્તારો ડેડ જાહેર થયા છે. આ પ્રકારનું ગંદુ અને મલિન પાણીની સફાઈ સાથે ગંગામાં વહેતા પ્લાસ્ટિક વેસ્ટને નવું મશીન સરળતાથી સાફ કરી નાંખશે. વરુણની મહત્વાકાંક્ષા ઇન્ડિયન ઓસનની સફાઈ કરવાની પણ છે અને આ માટે તેને ઈન્ટરનેટના માધ્યમથી વેબ સાઇટ પણ બનાવી છે. તે આ વેબસાઈટના માધ્યમથી ઇન્ડીયન ઓસનની સફાઈ અભિયાનમાં જોડાવવા માંગતા લોકો સાથે વાત કરી વોલિયટર્સ તરીકે સેવા આપવા અનુરોધ કરી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link