માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે આ કાર્ડ! આયુષ્માન કાર્ડ જેવી જ `વય વંદના યોજના` શરૂ થતાં વૃધ્ધોને રાહત
લાભાર્થી નાગરિકો આ યોજનાનો લાભ લઇ શકે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 85 અર્બન હેલ્થ સેન્ટર પર તાત્કાલિક ધોરણે આ કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિમાં કરવામાં આવ્યો. જે માટે લાભાર્થી અને નિયમ હેઠળ આવતા નાગરિકોએ ફક્ત આધાર કાર્ડ લઈને જવાનું રહેશે. આ નિર્ણય બાદ amc ના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર પર ખુબ જ મોટી સંખ્યામાં 70 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો નોંધણી કરાવવા પહોંચ્યા અને સતત પહોંચી રહ્યા છે. જ્યાં AMC સ્ટાફ દ્વારા કોઈ મુંઝવણ હોય એવા વડીલોને કાર્ડ નોંધણી કરવામાં ઉત્સાહભેર પૂરતી મદદ પણ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની આ અભૂતપૂર્વ યોજના સિનિયર સીટીઝન માટે ખુબ લાભકારી સાબિત થઇ રહી છે, જે અંગે લાભાર્થીઓએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી.
અગત્યની વાત એ છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી. તમામ પ્રકારની આવકો ધરાવતા 70 વર્ષથી વધુ વયના નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ કાર્ડ કઢાવવા માટે નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર એક આધાર કાર્ડ લઈ જઈ વેરીફિકેશન કરાવી આ કાર્ડ કઢાવી શકાશે.
આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. (ગુજરાતમાં આ રકમ 10 લાખ રૂપિયા છે) આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે.
એક પ્રશ્ન પણ થાય કે આયુષ્માન કાર્ડ જેવો પહેલાથી ધરાવે છે તેમને પણ શું નવા કાર્ડ કઢાવવા પડશે? તો હા, પોતાનું આધારકાર્ડ વેરિફિકેશન કરાવીને આયુષ્માન વય વંદના કાર્ડ અલગથી કઢાવવાનું રહેશે.