Sharad Purnima 2023 : આ શરદ પૂર્ણિમાએૉ દૂધ પૌઆનો સ્વાદ નહીં માણી શકાય. કારણ કે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેશમાં દેખાવાનું હોવાથી દૂધ પૌઆ નહીં બને. શરદ પૂનમે એટલે કે શનિવારે રાત્રે 11 વાગ્યેને 31 મિનિટે ગ્રહણનો સ્પર્શ  થશે. તો મોક્ષ રવિવારે વહેલી સવારે 3 વાગ્યેને 57 મિનિટે થશે. ગ્રહનો વેધ શનિવારે બપોરે 2 વાગ્યેને 31 મિનિટથી છે. એટલે બપોરે 2 વાગ્યેને 31 મિનિટથી ભોજન ગ્રહણ ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે ગ્રહણમાં ભગવાનના મંત્રનો જપ કરવાનું સાધુ-સંતોનું સૂચન છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી દાન કરવાનું મહાત્મ્ય છે. ગ્રહણના કારણે શરદ પૂનમે મંદિરોના સમયમાં પણ ફેરફાર થયો છે. આ માહિતી અમદાવાદના કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી મહારાજ દ્વારા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમકુમ મંદિર દ્વારા શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની થીમ ઉપર વિશાળ રંગોળી કરવામાં આવી છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ર૩થી વધુ દેશોમાં અને ભારતમાં દેખાશે. આ દિવસે મંદિરોમાં શરદપૂર્ણિમાના નિમિત્તે રાસ કે દૂધ - પૌંઆનો કાર્યક્રમ થશે નહિ. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, તારીખ 27 ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે સદ્ગુરૂ શ્રી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦રમી પ્રાગટ્ય જયંતી પ્રસંગે શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની થીમ ઉપર ૧૪ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.


આ રંગોળી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ રંગોળીમાં શરદપૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર - અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણની કૃત્તિ આબેહુબ કંડારવામાં આવી હતી. સાથે સાથે - શરદ્પૂર્ણિમાએ ભગવાન-સંતો ભક્તોની સાથે રાસે રમે છે, તે લીલા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦ર વર્ષ પૂર્ણ થયા એ ચારે પ્રસંગો સાથેની આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. તા. ર૮ ને શનિવારના રોજ શરદપૂર્ણિમા - ચંદ્રગ્રહણ હોવાથી આ રંગોળી શનિવાર સુધી રાખવામાં આવશે.


ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શરદપૂર્ણિમા એ જ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવે છે, તે ર૩થી વધુ દેશોમાં અને તે ભારતમાં દેખાવાનું હોવાથી એનો વિધિ પાળવાનો રહેશે.


  • તા. ર૮ - ૧૦ - ૨૦ર૩ આસો સુદ પૂનમ - શરદપૂર્ણિમા - શનિવાર

  • ગ્રહણ સ્પર્શ :- રાત્રે (૧૧ - ૩૧) વાગે, ગ્રહણ મધ્ય :- (૧ - ૪૪) ગ્રહણ મોક્ષ :- રાત્રે ૩ - ૫૭)

  • ગ્રહણનો વેધ તા. ર૮ ના બપોરે ર - ૩૧ વાગે બેસે છે માટે ત્યારબાદ ભોજન કરવું નહિ.


જ્યારે - જ્યારે સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ આવે છે ત્યારે તે આપણે અવશ્ય પાળવું જ જોઈએ.તેવી આજ્ઞા આપણા હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમા કરેલી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના શ્લોક ૮૬ અને ૮૭ માં કહ્યું છે કે, “સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે સૌ કોઈએ બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.”


ધર્મશાસ્ત્રમાં ગ્રહણના સૂતકને મોટું સૂતક કહેલું છે. ગ્રહણ સમયે બીજી ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું, પરંતુ જે ગ્રહણ નથી પાળતા તે બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. ગ્રહણ સમયે ભગવદ્ સ્મરણ કરવું જોઈએ, ગ્રહણ પૂર્ણ થયા પછી દાન કરવાનું ખૂબ જ મહાત્મ્ય છે.તેથી ગ્રહણ પછી સ્નાનાદિક ક્રિયા કરીને દાન અવશ્ય કરવું જોઈએ. 


આમ, શરદપૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થનાર છે, તો આપણે અવશ્ય તેનો જે વિધિ શાસ્ત્રોમાં બતાવેલો છે તે પાળીએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.