શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામે વનડે અને ટી-20 માટે ટીમ કરી જાહેર, મેથ્યુસ બહાર
એન્જેલો મેથ્યુસને શ્રીલંકન બોર્ડ વિરુદ્ધ પોતાની કેપ્ટનશિપ છોડવાનો વિરોધ કરવો મોંઘો પડ્યો છે. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 બંન્ને ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
કોલંબોઃ શ્રીલંકાના સસ્પેન્ડેટ કેપ્ટન એન્જેલો મેથ્યુસને બુધવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પસંદ કરાયેલી વનડે અને ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે ટીમના એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન માટે તેને બલિનો બકરો બનાવવાનો આરોપ બોર્ડ પર લગાવ્યો હતો. આ 31 વર્ષીય ઓલરાઉન્ડરને 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પાંચ વનડે અને એકમાત્ર ટી-20 મેચ માટે 15 સભ્યોની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ક્રિકેટ અધિકારીઓએ કહ્યું કે, ફિટનેસને કારણે મેથ્યુસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
અધિકારીઓએ કહ્યું કે, મેથ્યુસને ટેસ્ટ ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. મેથ્યુસ એક સપ્તાહ પહેલા વનડે અને ટી20ની કેપ્ટનશિપ છીનવી લેતા શ્રીલંકન બોર્ડને પત્ર લખ્યો હતો. તેણે પત્રમાં કહ્યું કે, એશિયા કપમાં બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાની ટીમના પ્રદર્શન માટે આખા પ્રકરણમાં મને બલિનો બકરો બનાવી દેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે, મેથ્યુસને કેપ્ટન પદેથી રાજીનામું આપવા કહ્યું અને ચંડીમલને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે.
મને આગામી વિશ્વકપ સુધી કેપ્ટનશિપ આપવામાં આવી હતી
મેથ્યુસે કહ્યું કે, 2017માં છ મહિનાની અંદર પાંચ કેપ્ટન બદલવામાં આવ્યા અને ટીમને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ મુખ્ય કોચ હથુરાસિંઘેએ તેને સુકાન સંભાળવાનું કહ્યું હતું. મેથ્યુસે કહ્યું, ત્યારે મને કહેવામાં આવ્યું કે, હું 2019માં યોજાનારા વિશ્વકપ સુધી ટીમની કમાન સંભાળીશ. તેવામાં એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શનના આધાર પર કેપ્ટનશિપમાંથઈ હટાવવાનો નિર્ણય લેવો યોગ્ય નથી. પરંતુ હું બોર્ડ અને પસંદગીકારોનું સન્માન કરતા રાજીનામું આપી રહ્યો છું.
શ્રીલંકાની ટીમ આ પ્રકારે છે
દિનેશ ચંડીમલ, ઉપુલ થરંગા, સદીરા સમરવિક્રમ, નિરોશન ડિકવેલા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા, થિસારા પરેરા, અકિલા ધનંજય, દુષ્મંતા ચામીરા, લસિથ મલિંગા, અમિલા અપોંસો, લક્ષ્ણ સંદાકન, નુઆન પ્રદીપ, કાસુન રંજીતા અને કુસાલ પરેરા.