હો ચી મિન સિટી (વિયતનામ): બેડમિન્ટનમાં ભારતના પુરૂષ ખેલાડી સૌરભ વર્મા (Sourabh Verma)એ ઈતિહાસ રચતા વિયતનામ ઓપન (Vietnam Open)માં પુરૂષ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ભારતના મુખ્ય પુરૂષ બેડમિન્ટન ખેલાડીઓમાંથી એક 26 વર્ષના સૌરભ વર્માએ અહીં ચીનના સુન ફેઈ જિયાંગને પરાજય આપીને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી હતી. સૌરભે ફાઇનલમાં રવિવારે ચીની ખેલાડીને ત્રણ ગેમો સુધી ચાલેલા મુકાબલામાં 21-12, 17-21, 21-14થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ રેન્કિંગમાં 38મા સ્થાન પર રહેલા સૌરભે 68મા નંબરના જિયાંગને પરાજય આપ્યો હતો. બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મેચ એક કલાક 12 મિનિટ સુધી ચાલી હતી. સૌરભ માટે મેચની શરૂઆત દમદાર રહી અને પ્રથમ ગેમમાં તે હાવી રહ્યો હતો. તેણે પ્રથમ ગેમ પોતાના નામે કરીને 1-0ની લીડ મેળવી હતી. બીજી ગેમમાં જિયાંગે શાનદાર શરૂઆત કરી અને એક સમયે 8-0થી આગળ થઈ ગયો હતો. ત્યારબાદ સૌરભે વાપસી કરવાનો પ્રયત્ન કર્યો અને બંન્ને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. અંતમાં ચીની ખેલાડીએ ગેમ જીતીને મુકાબલાને બરોબરી પર લાવવામાં સફળ રહ્યો હતો. 


કંડક્ટર માતાના પુત્રએ ભારતને બનાવ્યું અન્ડર-19 ચેમ્પિયન


સૌરભે ત્રીજી અને નિર્ણાયક ગેમમાં પોતાની ભૂલનું પુનરાવર્તન ન કર્યું. મુકાબલો કાંટાનો રહ્યો, પરંતુ સૌરભે પોતાનો સંયમ ન ગુમાવતા ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે આ ત્રીજી ટક્કર હતી. આ પહેલા રમાયેલી બંન્ને મેચ પણ સૌરભે પોતાના નામે કરી હતી. સૌરભે જિયાંગને આ વર્ષે હૈદરાબાદ ઓપન અને કોરિયા ઓપનમાં હરાવ્યો હતો. ભારતીય ખેલાડીનું આ ચોથુ બીડબ્લ્યૂએફ સુપર 100 ટાઇટલ છે. તેણે પાછલા વર્ષે ડચ ઓપન અને રૂસ ઓપનનું પણ ટાઇટલ જીત્યું હતું.