CAXI vs IND પ્રેક્ટિસ મેચનો ત્રીજો દિવસઃ CAXIની 356/6, શમીએ ઝડપી ત્રણ વિકેટ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન અને ઈન્ડિયા વચ્ચે અભ્યાસ મેચ સિડનીમાં રમાઈ રહ્યો છે. મેચના ત્રીજા દિવસે રમત પૂર્ણ થઈ ત્યાં સુધી CAXIએ પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ પર 356 રન બનાવી લીધા છે. તે ભારત કરતા 2 રન પાછળ છે.
નવી દિલ્હીઃ હૈરી નિએલ્સન (અણનમ 56) અને આરોન હાર્ડી (અણનમ 69)ની સદીની ભાગીદારીની મદદથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવને અહીં ચાલી રહેલા પ્રેક્ટિસ મેચમાં પોતાની પ્રથમ ઈનિંગમાં શુક્રવારે ત્રીજા દિવસે સ્ટંમ્પ્સ સુધી 6 વિકેટના નુકસાન પર 356 રન બનાવી લીધા છે. સિડની ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલા મેચમાં ઓસ્ટ્રેલિયા માટે હૈરી અને હાર્ડી હજુ મેદાનમાં છે. બંન્નેએ સાતમી વિકેટ માટે 122 રન જોડ્યા છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 67 રન આપીને 3 વિકેટ ઝડપી છે. ઉમેશ યાદવ અને અશ્વિનને એક-એક સફળતા મળી હતી.
ભારતીય ટીમની ઈનિંગ 358 રને સમાપ્ત થયા બાદ પોતાની પ્રથમ ઈનિંગ રમવા ઉતરેલી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવને બીજા દિવસની રમત પૂર્ણ થતા વિકેટ ગુમાવ્યા વિના 24 રન બનાવ્યા હતા. યજમાન ટીમે આ સ્કોર પર રમવાનું શરૂ કર્યું હતું. બેટ્સમેન ડાર્સી શોર્ટ અને મૈક્સ બ્રાયંટે પ્રથમ વિકેટ માટે 18.3 ઓવરમાં 114 રન જોડતા ઓસ્ટ્રેલિયા ઇલેવનને શાનદાર શરૂઆત અપાવી હતી. તેનો પ્રથમ ઝટકો બ્રાયંટના રૂપમાં લાગ્યો હતો. તેને અશ્વિને 62 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવનને સ્કોર હજુ 153 રન પહોંચ્યો ત્યારે શમીએ ડાર્સી શોર્ટને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ જૈક કાર્ડર (38) અને કેપ્ટન સૈમ વાઇટમૈન (35) ત્રીજી વિકેટ માટે 60 રન જોડ્યા અને ઓસ્ટ્રેલિયા ઇલેવનનો સ્કોર 213 પર પહોંચાડ્યો હતો. આ સ્કોર પર ઉમેશ યાદવે સૈમને આઉટ કર્યો હતો.
ત્યારબાદ પરમ ઉપ્પલ (5)ને અશ્વિને રનઆઉટ કર્યો હતો. ઉપ્પલની વિકેટ 226 રનના કુલ સ્કોરે પડી હતી. આજ સ્કોર પર શમીએ જૈકને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હૈરીએ હાર્ડી સાથે મળીને ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 122 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયા ઈલેવનનો સ્કોર 356 સુધી પહોંચાડી દીધો હતો.
ભારતની ઈનિંગ
આ પહેલા શાનદાર ફોર્મમાં રહેલા કેપ્ટન વિરાટ કોહલી (64) અને પૃથ્વી શો (66) સહિત પાંચ ભારતીય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી, જેની મદદથી ભારતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વિરુદ્ધ બીજા દિવસે 92 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. ભારત માટે પૂજારા (54), રહાણે (56) અને હનુમા વિહારી (53) અડધી સદી ફટકારી હતી. આ પ્રેક્ટિસ મેચ સિડનીમાં રમાઇ રહ્યો છે. વરસાદને કારણે પ્રથમ દિવસની રમત ધોવાઇ ગઈ હતી.