મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખતા શુક્રવારે અહીં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરરમાયેલી ત્રીજી ટી20 મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સિરીઝ પર 3-0થી કબજો કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 142 રન બનાવી શકી હતી. જેના જવાબમાં યજમાન ટીમે 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે અણનમ 57 રન બનાવ્યા અને તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે સિરીઝમાં કુલ 217 રન બનાવ્યા અને તે મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. રસપ્રદ વાત છે કે ત્રણેય મેચોમાં તેને કોઈ શ્રીલંકન બોલર આઉટ ન કરી શક્યો અને તે અણનમ રહ્યો હતો. 


આવી રહી શ્રીલંકાની ઈનિંગ
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ બેટ્સમેન નિરોશન ડિકવેલા (0) રન બનાવી આઉટ થયો હતો. મહેમાન ટીમને બીજો ઝટકો 33ના સ્કોર પર કુસલ મેન્ડિસના રૂપમાં લાગ્યો તેણે 13 રન બનાવ્યા હતા. કુસલ પરેરાએ શાનદાર બેટિંગ કરી અને 45 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. 


આ સિવાય અવિષ્કા ફર્નાન્ડોએ 20 રન બનાવ્યા તો ભનૂકા રાજપક્ષે 17 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન અને પેટ કમિન્સે બે-બે વિકેટ ઝડપી હતી. 

ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન, અમેરિકાને 5-1થી હરાવ્યું  


ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
લક્ષ્યનો પીછો કરતા યજમાન ટીમને કેપ્ટન એરોન ફિન્ચ અને વોર્નરે શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્ને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. ફિન્ચ 25 બોલમાં 37 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલ સ્મિથ 13 રન બનાવી શક્યો હતો. પરંતુ વોર્નરે એક છેડો સાચવી રાખ્યો અને ટીમને જીત અપાવી હતી. એશ્ટન ટર્નર 22 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ હવે પાકિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ ત્રણ નવેમ્બરથી શરૂ થશે.