ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન, અમેરિકાને 5-1થી હરાવ્યું
બંન્ને ટીમો શનિવારે ફરી આમને-સામને હશે. જો ભારતીય મહિલા ટીમ આ મુકાબલો જીતે તો તે સીધી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લેશે.
Trending Photos
ભુવનેશ્વરઃ ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર હેઠળ પ્રથમ લેગ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે યૂએસએને એકતરફા મુકાબલામાં 5-1થી પરાજય આપ્યો છે. ઓડિશાના કલિંગા હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય મહિલાઓ ભારે પડી અને 5-1ના મોટા અંતરથી જીત મેળવી હતી. ભારતની જીતમાં ગુરજીત કૌરે બે ગોલ કર્યા, જ્યારે લિલિમા મિંજ, શર્મિલા દેવી અને સલિમા તેતેએ એક-એક ગોલ કર્યો હતો. આ જીતની સાથે ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરવાની નજીક પહોંચી ગઈ છે. બંન્ને ટીમો વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ શનિવારે રમાશે.
પહેલા ક્વાર્ટરમાં ન થયા ગોલ
પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યો, પરંતુ સ્ટેડિયમ પહોંચેલા હજારો દર્શકોને બંન્ને ટીમ વચ્ચે ટક્કર જોવા મળી હતી. ભારતે પ્રથમ મિનિટથી એટેકિંગ હોકી રમવાનો પ્રયત્ન કર્યો, જેનો અમેરિકાએ જવાબ આપ્યો હતો. અમેરિકાની ટીમ આ ક્વાર્ટરમાં ભારતના ડી સુધી પહોંચવામાં સફળ રહી, પરંતુ યજમાન ટીમની ગોલકીપર સવિતાને ચકમો આપવામાં સફળ ન થઈ.
બીજા ક્વાર્ટરમાં ભારતે ખોલાવ્યું ખાતું
બીજા ક્વાર્ટરમાં પણ અમેરિકાએ પોતાની લય જાળવી રાખી અને વધુ બોલ પઝેશન પણ રાખ્યું. પરંતુ ભારતીય ટીમ પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહી હતી. યજમાન ટીમ તેનો લાભ ન ઉઠાવી શકી અને કાઉન્ટર એટેક કરતા અમેરિકાએ પેનલ્ટી કોર્નર હાસિલ કર્યો હતો. આ વખતે પણ ભારતના ડિફેન્સને ભેદવામાં તેને સફળતા ન મળી. 28મી મિનિટે ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યોય કોર્નર પર યજમાન ટીમ ડ્રેગ-ફ્લિકના માધ્યમથી ગોલ ન કરી શકી, પરંતુ ત્યારબાદ બોલને પોતાના નિયંત્રણમાં રાખ્યો અને મિંજે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી.
આ રીતે મેળવી 3-0ની લીડ
ભારતે ત્રીજા ક્વાર્ટરમાં દમદાર પ્રદર્શન કરતા મેચ પર પોતાની પકડ બનાવી લીધી હતી. 40મી મિનિટમાં શર્મિલાએ ગોલ કરતા ભારતની લીડ બમણી કરી દીધી હતી. બે ગોલથી પાછળ રહ્યાં બાદ મહેમાન ટીમનો આત્મ વિશ્વાસ ઘટ્યો હતો. 42મી મિનિટે યજમાન ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ડિફેન્ડર ગુરજીત કૌરે કોઈ ભૂલ ન કરી અને ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો.
ચોથા ક્વાર્ટરમાં કર્યાં બે ગોલ
અમેરિકા માટે ચોથા ક્વાર્ટરની શરૂઆત ખરાબ રહી હતી. 46મી મિનિટમાં ભારતે રાઇટ ફ્લેન્સથી એટેક કર્યો અને યુવા ખેલાડી સલિમા તેતેએ અમેરિકાની ગોલકીપરને ચમકો આપતા ચોથો ગોલ કર્યો હતો. 51મી મિનિટમાં ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને ગુરજીતે ગોલ કરીને ટીમને 5-0થી આગળ કરી દીધી હતી. પરંતુ 54મી મિનિટમાં અમેરિકાએ પણ પેનલ્ટી કોર્નરના માધ્યમથી ખાતું ખોલ્યું હતું. આ ગોલ એરિન મેટસને કર્યો હતો. બંન્ને ટીમો વચ્ચે બીજી ગેલ મેચ શનિવારે રમાશે.
ઉલ્લેખનીય છે કે બંન્ને ટીમો શનિવારે ફરી આમને-સામને હશે. જો ભારતીય મહિલા ટીમ આ મુકાબલો જીતે તો તે સીધી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે