હસી બોલ્યો - ભારતની પાસે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર શ્રેણી જીતવાની તક
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની ધરતી પર અત્યાર સુધી 11 ટેસ્ટ શ્રેણીનો સામનો કર્યો છે પરંતુ જીત મળી નથી. 8 શ્રેણી પર કાંગારૂએ કબજો કર્યો છે.
ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇક હસીએ કહ્યું કે ભારતની પાસે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ શ્રેણી જીતવાની સોનેરી તક છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની ગેરહાજરીમાં નબડી પડેલી ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરવાનો છે.
હસીએ બેંગલુરૂમાં કહ્યું, હું ઓસ્ટ્રેલિયાની બેટિંગને લઈને ચિંતિત છું, કારણ કે અમે અમારા બે શ્રેષ્ઠ બેટ્સમેન સ્મિથ અને વોર્નર વગર રમશું. ભારતની પાસે આ ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ શ્રેણી જીતવાની શાનદાર તક છે.
વોર્નર, સ્મિથ અને કેમરન બેનક્રોફ્ટને દક્ષિણ આફ્રિકામાં બોલ છેડછાડ પ્રકરણમાં તેમની ભૂમિકા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. હસીએ કહ્યું જો મિશેલ સ્ટાર્કની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન આક્રમણ ઉછાળ અને ગ્રીન ટોપ પિચો પર સફળ રહે છે તો ભારત માટે માર્ગ સરળ નથી.
તેમણે કહ્યું, જો મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લાયન ફિટ હોય છે અને સારૂ પ્રદર્શન કરે છે તો ભારતે રન બનાવવા માટે આકરી મહેનત કરવી પડશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટનમાં પ્રથમ ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પૂજારાને બહાર રાખવા પર હસીએ કહ્યું કે, તેનાથી ખ્યાલ આવે છે કે ભારત મજબૂત ટીમ છે, જેનો બેટિંગ ક્રમ સારો છે.
તેમણે કહ્યું, પ્રથમ ટેસ્ટની ટીમમાંથી પૂજારાને બહાર કરવો ભારતની મજબૂતીનો સારો સંકેત છે. તે જણાવે છે કે ભારતીય ટીમ સારી ટીમ છે, જેનો બેટિંગ ક્રમ મજબૂત છે.