Ind Vs Nz: Nz સામે ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે આ યુવા ખેલાડી, IPLમાંથી ચમક્યું નસીબ
ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. પહેલી ટી-20 મેચ 17 નવેમ્બરે જયપુરમાં આયોજિત કરવામાં આવશે.
નવી દિલ્લી: ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ સિરીઝ માટે મંગળવારે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. ચેતન શર્માની આગેવાનીમાં પસંદગીકારોની સૌથી મોટી માથાકૂટ નવા ટી-20 કેપ્ટનની પસંદગીને લઈને હશે. કેમ કે વિરાટ કોહલીએ હાલના ટી-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. પહેલી ટી-20 મેચ 17 નવેમ્બરે જયપુરમાં આયોજિત કરવામાં આવશે. તેના પછી 19 નવેમ્બરે રાંચી અને 21 નવેમ્બરે કોલકાતામાં બાકીની બે ટી-20 મેચ રમાશે. પછી પહેલી ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. હવે ઈનસાઈડ સ્પોર્ટ્ના રિપોર્ટ પ્રમાણે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. એવામાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા કેટલાંક યુવા ચહેરાઓને ટી-20 ટીમમાં જગ્યા મળી શકે છે. ત્યારે આવો જાણીએ તે ચાર ખેલાડીઓ વિશે જેમને લોટરી લાગી શકે છે.
1. વેંકટેશ અય્યર:
કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન વેંકટેશ અય્યરે આઈપીએલ 2021માં શાનદાર રમત બતાવી હતી. પોતાની ડેબ્યુ સિઝન રમી રહેલા વેંકટેશે 10 મેચમાં 41.11ની એવરેજથી 370 રન બનાવ્યા. આ દરમિયાન વેંકટેશના બેટમાંથી ચાર અર્ધસદી નીકળી. સાથે જ વેંકટેશ અય્યરે આ દરમિયાન બોલિંગમાં હાથ અજમાવતાં 23ની એવરેજથી કુલ 3 વિકેટ ઝડપી.
2. ઋતુરાજ ગાયકવાડ:
ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2021માં સૌથી વધારે રન બનાવીને ઓરેન્જ કેપ પર કબ્જો કર્યો હતો. ગાયકવાડે 16 મેચમાં 45.35ની એવરેજ અને 136.26ના સ્ટ્રાઈક રેટથી 635 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને 4 અર્ધસદી નીકળી. ઋતુરાજે આ ફોર્મને મુશ્તાક અલી ટ્રોફીમાં પણ જાળવી રાખતાં મહારાષ્ટ્ર સામે 3 અર્ધસદી ફટકારી. ઋતુરાજ શ્રીલંકા પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે.
3. આવેશ ખાન:
આઈપીએલ 2021માં આવેશ ખાને દિલ્લી કેપિટલ્સ તરફથી 24 વિકેટ ઝડપી. આ દરમિયાન તેની એવરેજ 18.75 અને ઈકોનોમી રેટ 7.37નો રહ્યો. જમણા હાથના ઝડપી બોલર આવેશ ખાને આ સિઝનમાં હર્ષલ પટેલની 32 વિકેટ પછી સૌથી વધારે વિકેટ લેવાની સિદ્ધિ મેળવી.
4. ચેતન સાકરિયા:
ઝડપી બોલર ચેતન સાકરિયાએ પણ આઈપીએલ 2021માં પોતાના પ્રદર્શનથી ચર્ચા જગાવી. ચેતને રાજસ્થાન રોયલ્સ માટે 14 મેચમાં 30.42ની એવરેજથી 14 વિકેટ ઝડપી. ચેતન આ વર્ષે શ્રીલંકા પ્રવાસમાં પણ ભારતીય ટીમનો પહેલીવાર ભાગ બન્યો હતો.