ન્યૂયોર્કઃ અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ બાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની અડધી સદીની ભાગીદારીની મદદથી ભારતે આઈસીસી ટી20 વિશ્વકપમાં અમેરિકાને હરાવી સતત ત્રીજી જીત મેળવી છે. અમેરિકા સામે 7 વિકેટે જીત બાદ ભારતીય ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. અમેરિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી અને રોહિત શર્મા સસ્તામાં આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. વિરાટ કોહલી 0 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ માત્ર 1 બોલનો સામનો કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા પણ 3 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રિષભ પંત 18 રન બનાવી અલી ખાનનો શિકાર બન્યો હતો. ભારતે 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 


સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ અપાવી જીત
ટીમ સંકટમાં હતી ત્યારે સૂર્યકુમાર યાદવે ઈનિંગને સ્થિરતા અપાવી હતી. સૂર્યકુમાર યાદવે સેટ થયા બાદ કેટલાક શોટ્સ ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ 49 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 50 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે શિવમ દુબેએ 35 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 32 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. 


અમેરિકાએ 20 ઓવરમાં બનાવ્યા હતા 110 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અમેરિકાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 120 રન બનાવી શકી હતી. ટીમ માટે સૌથી વધુ રન નીતિશ કુમારે બનાવ્યા હતા. તેણે 23 બોલમાં 27 રન ફટકાર્યા હતા. આ સિવાય સ્ટીવન ટેલરે 24 રનનું યોગદાન આપ્યું હતું. આરોન જોન્સ માત્ર 11 રન બનાવી શક્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 9 રન આપી 4 વિકેટ લીધી હતી. 


પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી
અર્શદીપ સિંહે શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ બોલ પર જહાંગીરને આઉટ કર્યો હતો. એન્ડ્રીજ ગૌસ પણ 2 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો હતો. અર્શદીપે પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પાવરપ્લેમાં અમેરિકાની ટીમ માત્ર 18 રન બનાવી શકી હતી. 


આરોન જોન્સ અને સ્ટીવન ટેલર એક સમય પર સેટ થઈ ગયા હતા, પરંતુ જોન્સ 11 રન બનાવી આઉટ થયો હતો. અમેરિકાની ટીમ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 42 રન પર પહોંચી ગતી. 12મી ઓવરમાં અક્ષર પટેલે ટેલરને 24 રન પર બોલ્ડ કરી દીધો હતો. નીતિશ કુમારે આક્રમક રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે 15મી ઓવરમાં 23 બોલમાં 27 રન બનાવી આઉટ થઈ ગયો હતો. 


ત્યારબાદ કોરી એન્ડરસન પણ આઉટ થઈ ગયો હતો. અમેરિકાની ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે 4 ઓવરમાં 9 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 14 રન આપીને બે તથા અક્ષર પટેલને એક સફળતા મળી હતી.