AUSvsIND T20: સિડનીમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ
ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે દમદાર પ્રદર્શન કરી 6 વિકેટે જીત મેળવી છે. આ સાથે ભારતે ત્રણ મેચોની ટી20 સિરીઝ પણ કબજે કરી લીધી છે.
સિડનીઃ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિડનીમાં રમાયેલી બીજી ટી20 મેચમાં 6 વિકેટે પરાજય આપી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 194 રન બનાવ્યા અને ભારતને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 195 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. હવે સિરીઝની અંતિમ ટી-20 મેચ 8 ડિસેમ્બરે અહીં રમાશે.
વિરાટ કોહલીએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કાર્યવાહક કેપ્ટન મેથ્યૂ વેડ (58)ની અડધી સદીની મદદથી યજમાન ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બે બોલ બાકી રહેલા 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો. હાર્દિક પંડ્યા (42*)એ વિજયી સિક્સ ફટકારી હતી.
ધવનની અડધી સદી
195 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શિખર ધવન અને લોકેશ રાહુલે ઝડપી શરૂઆત અપાવી. રાહુલને ટીમના 56 ના સ્કોર પર ટાયે શિકાર બનાવ્યો હતો. રાહુલે 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 30 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવને પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 11મી અડધી સદી ફટકારી હતી. તેને એડમ ઝમ્પાએ આઉટ કર્યો હતો. ધવને 36 બોલ પર 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા.
કેપ્ટન વિરાટ કોહલી (40) ડેનિયલ સેમ્સનો શિકાર બન્યો હતો. વિરાટે 24 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સંજૂ સેમસને 15 રન બનાવ્યા હતા. તેણે 10 બોલમાં એક ચોગ્ગો અને એક સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર 5 બોલમાં 12 રન બનાવી અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો 195 રનનો ટાર્ગેટ
કાર્યવાહક કેપ્ટન મેથ્યૂ વેડની શાનદાર અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 194 રન બનાવ્યા. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફિન્ચની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા વેડે 32 બોલમાં 58 રન બાવ્યા, જ્યારે સ્મિથે 38 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. મહેમાનો માટે ટી નટરાજને 4 ઓવરમાં 20 રન આપી બે વિકેટ ઝડપી હતી.
આ રહી ટીમ ઈન્ડિયાની અજેય મેચ
ટીમ ઈન્ડિયા પોતાની 11મી મેચમાં પણ અજેય રહી. આ સફર 11 ડિસેમ્બર 2019થી શરૂ થઈ હતી, જે હજુ જારી છે. આ દરમિયાન એક મેચનું પરિણામ આવ્યું નથી અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચ ટાઈ રહી, જેમાં ટીમ ઈન્ડિયાએ સુપર ઓવરમાં જીત મેળવી હતી.
6 ડિસેમ્બર 2020: Australiaસ્ટ્રેલિયાએ સિડનીને 6 વિકેટથી હરાવી
4 ડિસેમ્બર 2020: ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું, કેનબરા
2 ફેબ્રુઆરી 2020: ન્યુઝીલેન્ડને 7 રનથી હરાવ્યું
31 જાન્યુઆરી 2020: ટાઇ, ન્યુઝીલેન્ડની સુપર ઓવરમાં હરાવ્યું
29 જાન્યુઆરી 2020: ટાઇ, ન્યુઝીલેન્ડ સુપર ઓવરમાં હરાવ્યું
26 જાન્યુઆરી 2020: ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી
24 જાન્યુઆરી 2020: ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી
10 જાન્યુઆરી 2020: શ્રીલંકાને 78 રનથી હરાવ્યું પૂણે
7 જાન્યુઆરી 2020: શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી, ઈન્દોર
5 જાન્યુઆરી 2020: મેચ પરિણામ નહીં, શ્રીલંકા
11 ડિસેમ્બર 2019: વેસ્ટ ઇન્ડીઝને 67 રનથી હરાવ્યું - મુંબઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube