વનડે ટીમમાં સ્થાન મેળવવા માટે બેટ્સમેનમાંથી કીપર બનવા તૈયાર છે આ ખેલાડી
ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં હજુ કોઈ વિકેટકીપર પોતાની જગ્યા નક્કી કરી શક્યો નથી. તેવામાં વિશ્વકપ માટે વિકેટકીપરની સીટ ખાલી છે.
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ પહેલા ટી20માં વિકેટકીપરની ભૂમિકા નિભાવી ચોંકાવનારા ઓસ્ટ્રેલિયાના પીટર હૈંડ્સકોમ્બે કહ્યું કે, તે વનડેમાં પણ આ ભૂમિકા નિભાવવા ઈચ્છએ છે. તેણે કહ્યું કે, તે આ માટે ફિટનેસ પર પણ કામ કરવા તૈયાર છે. મહત્વનું છે કે, હૈંડ્સકોમ્બને ભારત વિરુદ્ધ પ્રથમ ટી20માં નિયમિત વિકેટકીપર એલેક્સ કૈરી પર મહત્વ આપવામાં આવ્યું, જેથી ઓસ્ટ્રેલિયાની વિશ્વકપની ટીમમાં તેની જગ્યા બનાવવાની સંભાવના વધી છે.
વનડેમાં કીપિંગ કરવા ઈચ્છે છે હૈંડ્સકોમ્બ
હૈંડ્સકોમ્બે કહ્યું, હું વિકેટકીપિંગ કરી શકુ છું, મારે માત્ર તે નક્કી કરવાનું છે કે હું ફિટ રહું જેથી હું 50 ઓવરના મેચમાં પહેલા ફીલ્ડિંગ બાદ પણ ચોથા કે પાંચમાં ક્રમે બેટિંગ કરી શકું અને નક્કી કરુ કે હું વિકેટ વચ્ચે ઝડપથી રન દોડી શકું. કૈરીની 5 મેચોની વનડે સિરીઝ માટે ટીમમાં વાપસી કરવાની આશા છે પરંતુ હૈંડ્સકોમ્બને તક મળવા પર તે આ પ્રવાસમાં વિકેટકીપરની ભૂમિકા જાળવી રાખવા ઈચ્છે છે.
ક્રિકેટ,કોમ.એયૂએ હૈંડ્સકોમ્બના હવાલાથી કહ્યું, ટી20માં ગેમ ઝડપી હોય છે. વનડેમાં થોડી મુશ્કેલી હોય છે. વિશેષકરીને ભારતમાં થોડી ગરમીની વચ્ચે અને સ્પિન અનુકૂળ પિચો પર વિકેટોની નજીક ઉભુ રહેવું પડે છે. તેણે કહ્યું, તેથી તે આકરુ હોઈ શકે છે પરંતુ હું તેના માટે ઉત્સુક છું.
હૈંડ્સકોમ્બે 2017માં ભારત અને ન્યૂઝીલેન્ડના સીમિત ઓવરોના પ્રવાસ દરમિયાન સહાયક કોચ અને વિશ્વ વિજેતા વિકેટકીપર બ્રેડ હેડિનની સાથે કામ કર્યું હતું અને તેણે પોતાની કીપિંગમાં સુધારાનો શ્રેય તેને આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી20માં ભારતને 3 વિકેટે પરાજય આપ્યો હતો. બીજી ટી20 મેચ બુધવારે બેંગલુરૂમાં રમાશે.